ગીરનારના ગુરૂદત શીખર, કમંડળકુંડ, જુના અખાડા, જીણાબાવાની મઢી સહિતના દેવસ્થાનોમાં અનુષ્ઠાનો, પુજન, અર્ચન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
જુનાગઢ ઋષિ અત્રી અને માતા અનસુયાના પુત્ર ત્રિદેવ સ્વરૂપ ગણાતા ટચ ગુરુઓને ધારણ કરનાર ભગવાન ગુરુ દતાત્રેયની પ્રાગટયોત્સવ ઉજવાયો હતો. ગીરનાર તીર્થક્ષેત્રના સાંનિઘ્યમાં આવેલ ગુરુદતાત્રેય મંદિરો ખાતે ગઈકાલે ભાવપૂર્વક સોડષોપચાર, પૂજન, અનુષ્ઠાન, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર ભગવાન ગુરુ દતાત્રેયના પ્રાગટય પ્રસંગે દર વખતે પરંપરાગત ગીરી તળેટીની ધાર્મિક જગ્યાઓમાં ઉજવાય છે. ગઈકાલે ગુરૂદતાત્રેય શિખર, કમંડળકુંડ, ૩૦ પગથીયા પર આવેલ ધૂણે, જુના અખાડા ખાતે, પુનિત આશ્રમ, જીણાબાવાની મઢી સહિતના ધાર્મિક સ્થળોએ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગીરનાર તીર્થક્ષેત્રના અધિષ્ઠાતા દેવ ભગવાન ગુરુદતાત્રેયના પ્રાગટયોત્સવમાં સવારે જુના અખાડા ખાતેથી ધામધુમપૂર્વક ભગવાનની શોભાયાત્રા નિકળી હતી.ભગવાનને જળાભિષેક કરી પાદુકાપુજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઈન્દ્રભારતીબાપુ સહિતના વરીષ્ઠ સંતો જોડાયા હતા. ગીરનારના દત શીખર ખાતે તનસુખગીરીબાપુ તેમજ મુકતાનંદબાપુની દેખરેખ નીચે દતયાગ યજ્ઞ પુજન-અર્ચન સહિતના કાર્યક્રમનો હજારો ભાવિક ભકતોએ ધર્મલાભ લીધો હતો. આવી જ રીતે પુનીત આશ્રમ ખાતે પુનીત મહારાજ તેમજ સેલજાજીના માર્ગદર્શન નીચે ભજન, કિર્તન, સોડષોપચાર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગીરનાર જંગલ વિસ્તારમાં આવેલ જીણાબાવાની મઢી પર પહોંચી ભકતોએ બલરામપુરીબાપુના માર્ગદર્શન નીચે ધર્મોલ્લાસ સાથેથી ભાવભેર ભગવાન દતાત્રેયના પ્રાગટયોત્સવ વધાવ્યો હતો.