ભાજપના કુંવરજીભાઈએ કોંગ્રેસના અવસરભાઈની સામે ૧૯,૯૭૯ મતની સરસાઈ સાથે પ્રતિષ્ઠાભર્યા જંગમાં વિજય ધ્વજ લહેરાવ્યો: ભાજપ અને કોંગ્રેસ સીવાયના તમામ ૬ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી: નોટા ત્રીજા ક્રમે
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસના અવસરભાઈ નાકીયાની સામે ૧૯,૯૭૯ મતની સરસાઈ સાથે પ્રતિષ્ઠાભર્યા જંગમાં વિજય ધ્વજ રહેરાવ્યો છે. જસદણની જીત ભાજપ માટે સંજીવની સમાન બની ગઈ છે. પરંતુ જસદણનું આ પરિણામ બન્ને પક્ષો માટે વોર્નિંગ બેલ સમાન પણ બની રહ્યું છે.
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગત ગુરૂવારના રોજ મતદાન યોજાયું હતું. બાદમાં ગઈકાલે જસદણની મોડેલ સ્કૂલ ખાતે ૧૪ ટેબલ પર મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને ૯૦,૨૬૨ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકીયાને ૭૦,૨૮૩ મત મળ્યા હતા. આમ કુંવરજીભાઈ બાવળીયાએ ૧૯,૯૭૯ની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકીયાને હારનો સ્વાદ ચખાડયો હતો.
ભાજપ અને કોંગ્રેસ સીવાયના છ ઉમેદવારને પુરતા મત ન મળતા તેઓને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ પેટા ચૂંટણીમાં નોટામાં ૨૧૪૬ મત પડયા હતા. આમ ૨૧૪૬ મતદારો એવા હતા કે, જેને ૮ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારો પસંદ પડયા ન હતા. નોટા ત્રીજા ક્રમે રહ્યું હતું. વીપીપીના ધરમશીભાઈ ધાપાને ૭૫૫, એન.બી.એન.એમ.ના ડો.દિનેશભાઈ પટેલને ૨૧૩ જયારે અપક્ષ ઉમેદવાર નાથાલાલ ચિત્રોડાને ૧૪૪, મુકેશભાઈ ભેંસજાળીયાને ૧૯૮, નિરુપાબેન મધુને ૩૩૧ તેમજ ભરતભાઈ માંકડીયાને ૯૯૩ મત મળ્યા હતા.
જસદણે કોંગ્રેસને જાકારો આપીને ગુજરાતને દિશા દર્શન કર્યું: મુખ્યમંત્રી
જસદણ જંગમાં ભાજપનો વિજય થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જસદણ ખાતેની વિજયસભામાં પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે જસદણે કોંગ્રેસને જાકારો આપીને ગુજરાત અને દેશને દિશા દર્શન કર્યુ છે. કોંગ્રેસના જીતના સ્વપ્નને લોકોએ પછડાટ આપેલ છે. ત્રણ રાજયોમાં જીતેલ કોંગ્રેસને જસદણમાં જીતી જશું તેવા ઉત્સાહમાં આવીને ૨૦૧૯માં કેન્દ્રમાં ભાજપ સરકારને હટાવી દેશું. તેમ કહીને કોંગ્રેસના મિત્રો ગમે તેવી ભાષા અને શબ્દોના પ્રયોગો કરતા હતાં. આનો જવાબ જનતાએ જડબાતોડ આપીને ભાજપના ઉમેદવાર અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને ૨૦ હજાર જેવા મતની લીડ આપી વિજયી બનાવેલ છે. બધા સમાજના લોકોએ ખોબે ખોબા ભરી મત આપેલ છે. હવે વિકાસ કરવો હોય તો ભાજપ સીવાય વિકલ્પ નથી. કોંગ્રેસ હોય ત્યા વિકાસ ન હોય શકે. વિકાસ માત્ર ભાજપ કરી શકે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે જસદણ અને વિંછીયા વિસ્તારનો વિકાસ અમે સવાયો કરીશું. ગ્રામ્ય વિસ્તારના ગામોમાં વિકાસને ચરમસીમાએ લઇ જશું. સાચા અર્થ આ પાંચાળનો વિકાસ થશે. આ વિસ્તારના વિકાસમાં કચાસ નહી રહે તેની ખાત્રી આપીએ છીએ. તેમણે ઉમેર્યુ કે જસદણ વિંછીયાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે. ખેડૂતોને બે એકર દીઠ સહાયની રકમ તેમના ખાતામાં જમા કરાશે. પાક વિમો જડપી પુરતો મળે એ પ્રકારે આ સરકાર ગંભીરતાી કામ કરી રહી છે. માલધારીઓને પશુધન માટે પુરતુ ઘાંસ અપાશે. આ પ્રસંગે જસદણના મુખ્યમાર્ગો પર કુંવરજીભાઇ બાવળીયા એ ભવ્ય વિજય સરઘસ યોજી લોકોનો આભાર માન્યો હતો અને વિજયસભામાં તેમણે જણાવ્યું હતું કે જસદણ અને વિંછીયાની પ્રજાએ મારામાં વિશ્વાસ મુકી જંગી લીડી મને વિજયી બનાવ્યો છે. તેમની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં કોઇ કચાશ રાખીશ નહીં. જસદણ અને વિંછીયાના કૃષિ, પશુપાલન, આરોગ્ય,શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિકાસ સાધવા માટે હરહંમેશ કટીબધ્ધ રહિશ.
વીરનગર, બળધોઈ અને નવાગામના વિચિત્ર પરિણામ ચર્ચાનો વિષય
જસદણ તાલુકાના વીરનગર, બળધોઈ અને નવાગામમાં ૭૨ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અજીબો ગરીબ પરિણામ આવતા રાજકીય પંડિતો ચકરાવે ચડી ગયા હતા. વિરનગર તો પાટીદારોનો ગઢ ગણાય છે પણ મતદાનના દિવસે ખેડૂતો લસણ ડુંગળીનો હાર પહેરી સરકાર સામે બળાપો કાઢતા ત્યાંથી કોંગ્રેસને ૭૪૧ મતની લીડ મળી હતી. બાજુના બળધોઈ ગામના આગેવાન મનસુખભાઈ જાદવ હજુ તો કુંવરજીભાઈ બાવળીયાએ ભાજપમાં પ્રવેશ નહોતો કર્યો તે પહેલા તેની સાથે પડછાયાની જેમ રહેતા હતા. આ આગેવાનનાં ગામમાં જ કોંગ્રેસને ૫૪૮ મતની લીડ નીકળી. છેલ્લે ઈન્દ્રનીલ રાજયગુરુએ પ્રચાર બંધના અંતિમ દિવસે કોંગ્રેસના ગઢ નવાગામમાં જાહેરસભા કરતા ત્યાં ભાજપને ૩૩૪ મતની લીડ નીકળતા હવે રાજકારણીઓની આંખમાં આ ત્રણેય ગામો રહેશે એવી ચર્ચા છે.