- પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત
- નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર: મંત્રી કુંવરજી બાવળીયા
- આ પુલ બનવાથી સામે કાંઠે પહોંચવામાં લોકોને સરળતા રહેશે : સ્થાનિક નાગરિક કાળુભાઈ
Jasdan : રાજકોટ જીલ્લાના જસદણ જીલ્લાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ ખાતે રૂપિયા 230 લાખના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. જસદણના પોલારપર મેઈન રોડ હૂડકો વિસ્તારમા રૂ.230 લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે. આ પુલ બનવાથી સામા કાંઠા તેમજ આસપાસના ગામોમાં આવવા જવા માટે લોકોને સરળતા રહેશે તેમ જણાવી મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, “નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર છે”. જસદણ-વિંછીયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આવનારા દિવસોમા રમતગમતનું મેદાન, કોલેજ, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, ચેકડેમ સહિતના કામો હાથ ધરાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
આ તકે માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલે 230 લાખના ખર્ચે બનનારા પુલની ટેકનિકલ બાબતો સહિતની માહિતી આપી હતી. તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુ શેખે પુલ બનવાથી શહેરની શોભા વધવાની સાથે વિકાસને વેગ મળશે તેમ કહ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક કાળુભાઈએ લોકોને સામા કાંઠે આવવા-જવામાં સરળતા રહેશે તેમ કહ્યુ હતુ.
અગ્રણીઓ સોનલ તેમજ અનિલે શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવાની સાથે સરકાર દ્વારા આ વિસ્તારમાં હાથ ધરાતા વિકાસના કામો બદલ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે અગ્રણીઓ નિમેષ, ભરત, ગટુર, મનિષા તેમજ મામલતદાર સહિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : કાળુ રાઠોડ