જસદણના ભડલી ગામે ‘ચોરી પર સીના જોરી’ જેવી ઘટના
રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાના ભડલી ગામે દરોડા પાડવા ગયેલી પીજીવીસીએલની ટુકડી પર સરપંચ સહિતના બે શખ્સોએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના મવડી પ્લોટ શ્રીનાથજી પાર્કમાં રહેતા અને કુવાડવા પીજીવીસીએલમાં જુનીયર ઈજનેર તરીકે ફરજ બજાવતા જયદીપ નારણભાઈ ઢોલરીયા ઉ.27 એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભડલી ગામના સરપંચ વલ્લભ કુબેરભાઈ સાંકળીયા અને હરેશ કરશનભાઈ વાળાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિજચોરી અટકાવવા ગઈકાલે રાજકોટ ડીવીઝનની 11 ટુકડી જસદણ પંથકમાં ત્રાટકી હતી અને ભડલી ગઢાળા, સોમલપર સહિતના ગામોમા રહેણાંક મકાન અને વાડી વિસ્તારમાં વહેલી સવારથી ચેકીંગ હાથ ધર્યું હતુ.
આ વખતે ભડલી ગામના સરપંચના વલ્લભ સાંકળીયાના ઘરે તપાસ કરતા એક શખ્સ વિજ થાંભલા પરથી લંગરીયું ઉતારતા નજરે પડયો હતો. જેની પાસેથી હેલ્પર વિક્રમ રાઠોડે લંગર કબજે કરતા સરપંચ વલ્લભ સાંકળીયા અને તેનો સાગ્રીત ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તેમજ હેલ્પર સાથે બેફામ ગાળાગાળી કરી લોખંડનો પાઈપ લઈ મારવા દોડયો હતો. આ વખતે હેલ્પર વચ્ચે પડતા તેના પગમાં ફેકચર જેવી ઈજા કરી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે જસદણ પોલીસે પીજીવીસીએલના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવા અંગે તેમજ વિજચોરી કરવા અંગેનો ગુનો નોંધી સરપંચ સહિતના બંને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.