મોરબી: સામાન્ય બાબતે શ્રમિકો વચ્ચે માથાકૂટ થતા યુવાનને લમધાર્યો
જસદણ તાલુકાના દહીંસરા ગામે રહેતા અને ધો.૧૦માં અભ્યાસ કરનાર કિશોરને રાત્રીના અહીં ગામમાં જ રહેતા બે શખ્સોએ લાકડી વડે મારમાર્યો હતો. જે હુમલામાં ઘવાયેલા કિશોરને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સગીર રાત્રીના ગામમાં પાનની દુકાન પાસે બેઠો હોય તે દરમિયાન બંને આરોપીઓએ અહીં કેમ બેઠો છો? કહી હુમલો કર્યો હતો. જ્યારે મોરબીમાં પણ સહ શ્રમિકોએ નજીવી બાબતે યુવાનને માર માર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના દહીંસરા ગામે રહેતા અભય મુકેશભાઇ પરમાર(ઉ.વ. ૧૬) નામના કિશોરને રાત્રીના ગામમાં રવિ સોસા અને જીતુ સોસાએ લાકડી વડે મારમારતા કિશોરને સારવાર માટે પ્રથમ ભાડલા બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કિશોરે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ધો.૧૦માં અભ્યાસ કરે છે. રાત્રીના તે ગામમાં આવેલી પાનની દુકાને બેઠો હતો ત્યારે રવિ અને જીતુએ અહીં શું કામ બેઠો છો તેમ કહી ઝઘડો કરી ગાળો આપી હુમલો કર્યો હતો.આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી તેઓ કરશે.
અન્ય એક બનાવમાં મોરબી પાસે બેલા રોડ પર એલીયન્ટ સિરામિકમાં કામ કરનાર ક્રિષ્ના કમલેશ્ર્વર સોની(ઉ.વ. ૨૧) નામના શ્રમિક યુવાનને રાત્રીના કોઇ બાબતે સહ શ્રમિકો સાથે ઝઘડો થતા રાજુ કુમાર અને દિનેશ નામના શખ્સે તેને ઢીકાપાટુનો મારમારી દીવાલ સાથે માથુ અથડાવતા યુવાનને ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.