મોડી રાત્રે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંંકાવ્યું: બેંકની લોનના હપ્તા ચડી જતા આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ
જસદણમાં જવેલર્સની દુકાન ચલાવતા ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૂળ સાવરકુંડલાના અને હાલ જસદણના મોતીચોકમાં ધકાણ જવેલર્સના નામે દુકાન ચલાવતા સંજયભાઈ જગજીવનભાઈ ધકાણ(ઉ.વ.45) એ ગત મોડી રાત્રીના પોતાના ઘરે દુપટ્ટાવડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા પરિવારજનોએ તાત્કાલિક યુવાનને 108ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.
જેથી ધંધાર્થીના મૃતદેહનું જસદણની સિવિલ હોસ્પિટલમાં જ પીએમ કરવામાં આવ્યું હતું. મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પરંતુ આ ઘટનાને પગલે ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી બેસતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.
આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતક પરિવારજનોના નિવેદનના આધારે આગળની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, યુવાને બેંકમાંથી ધંધા માટે લોન લીધી હોવાથી તેના હપ્તા ભરપાઈ થઈ શકતા ન હોવાથી તે છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવી રહ્યો હતો. આખરે ક્યાંય છેડો નહી મળતા અને આર્થિક ભીંસ વધી જતા આ પગલું ભર્યાનું જાણવા મળ્યું હતું. જોકે આ બનાવમાં યુવાનના આપઘાત પાછળ આર્થિક ભીંસ જ કારણભૂત હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.