સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ, ચોરી કે હત્યા જેવા બનાવો વધ્યા છે. જેમાં મહિલાઓના કાંડ પણ વધી જઇ રહ્યા છે. ત્યારે ગત અઠવાડિયે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં દેવપરા ગામમાં 65 વર્ષીય વૃદ્ધને ખાટલા સાથે બાંધી મોઢેટુપો આપી મોતને ઘાટ ઉતારતી ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે વૃદ્ધની હત્યામાં માસ્ટર માઈન્ડ બે મહિલાઓનું ભેજું હતુ.
આ હત્યાના ગુન્હામાં પૂજા ઉર્ફે પૂજલી માસ્ટર માઈન્ડ હોવાનું ખુલ્યું છે. મરણજનાર 65 વર્ષીય વૃદ્ધ માવજીભાઇ વાસાણી પૈસા પાત્ર હોવાથી કાવતરું ઘડીને ધાડ પડવાના ઇરાદે હત્યા નિપજાવી નાખી છે. રાજકોટ એલ.સી.બી.એ બે મહિલા સહિત કુલ ૬ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીએ કુલ રૂ. ૭.૧૭ લાખનો મુદ્દામાલ ઝબ્બે કર્યો છે. આરોપી મહિલા પૂજા ઉર્ફે પૂજલીએ રેકી કરી બધી વિગતો એકત્ર કરી આ કાવતરું ઘડ્યું હતું. જેમાં રાજસ્થાનથી માણસો બોલાવી માવજીભાઇ વાસાણી પર ધાડ પાડી હત્યાને અંજામ આપ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના દેવપરા ગામે માવજીભાઇ વાસાણી (ઉં.વ.65)ની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હત્યા કરી ફરાર થઇ ગયા હતા. સવારે માવજીભાઇનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી પરિવારજનોએ જસદણ પોલીસને જાણ કરતા ગ્રામ્ય એલસીબી અને જસદણ પોલીસ મથકના પીઆઇ કે.જે.રાણા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
મૃતદેહને મોઢા પર ટૂંપો આપ્યો હોવાનું પણ સામે આવતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડયો હતો.દેવપરા ગામમાં રહેતા માવજીભાઈ વાસાણી પોતાની વાડીએ એકલા રહેતા હતા અને દાઝેલા લોકોને મલમ લગાડી દેવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે
જસદણ પંથકમાં બીજા દિવસે પણ હત્યા: વૃદ્ધને મોતને ઘાટ ઉતારી મકાનની ઓસરીમાં ખાટલા સાથે બાંધી દીધા
જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જુદી જુદી ટીમ બનાવી વિવિધ દિશામાં તપાસ શરૂ કરાવી હતી. દરમિયાન એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલની ટીમને મળેલી બાતમીના આધારે પરપ્રાંતિય ગેંગની બે મહિલા સહિત 6ને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ લૂંટ ચલાવી હત્યા કર્યાની કબુલાત આપી છે. રાજલ ઉર્ફે રાજી દાઝી ગઇ હોવાથી દેવપરાના વૃધ્ધ માવજીભાઇ વાસાણી પાસે સારવાર માટે ગઇ હતી ત્યારે તેઓ પાસે મોટી સંપત્તી હોવાથી તેમને લૂંટ લેવાનો પૂજા ઉર્ફે પુજલી સોલંકી સાથે મળી બનાવ્યો હતો.
વાડીએ એકલવાયુ જીવન જીવતા અને ચામડીના દર્દીઓની સારવાર કરતા માવજીભાઇને પ્રથમ હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ બંને મહિલા હનીટ્રેપ ગોઠવવામાં નિષ્ફળ રહેતા પોતાના પતિ સાથે મળી રાજસ્થાનની ગેંગને સામેલ કરી વૃધ્ધની હત્યા અને લૂંટનો પ્લાન બનાવી અંજામ આપ્યાની કબુલાત આપી છે. બંને મહિલા સહિતના આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.7.50 લાખનો મુદામાલ કબ્જે થતા તેઓ અન્ય લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. લૂંટારૂ પરપ્રાંતિય ગેંગ હનીટ્રેપમાં પણ સંડોવાયાની વિગતો બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથધરી છે.