રાજકોટ જિલ્લામાં ગાંજાના વાવેતર અને વેંચાણના ગણાતા એપી સેન્ટર પર એસ.ઓ.જી.ના સ્ટાફ દ્વારા જસદણ અને વિંછીયા પંથકમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વિંછીયા તાલુકાના પાટીયાળી અને જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાંથી રૂા.20.81 લાખની કિંમતનો 208 કિલો ગાંજાના જથ્થા સાથે બે ખેડૂતની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વિંછીયા: પાટીયાળી ગામે 48 કિલો ગાંજા સાથે ખેડૂતની ધરપકડ
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર નશીલા પદાર્થના વેંચાણ અને વાવેતરને કડક હાથે ડામી દેવા એસ.પી. જયપાલસિંહ રાઠૌરે આપેલી સૂચનાને પગલે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. બી.સી.મિયાત્રા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતો ધીરૂ ખોડા તાવીયા નામના શખ્સની વાડીમાં ગાંજાનો તૈયાર પાકનો જથ્થો વેંચાણ અર્થે પડ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા અને કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી સહિતના સ્ટાફે દરોડો પાડી વાડીના મકાનમાં છૂપાવેલો 48.774 કિ.ગ્રામ ગાંજા સાથે ધીરૂ તાવીયાની ધરપકડ કરી ગાંજા અને મોબાઇલ મળી રૂા.4.92 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સે ગત વર્ષે ગાંજાનું વાવેતર કરી અડધા લાખનું વેંચાણ કર્યાની કબૂલાત આપી હતી.
જ્યારે જસદણ તાલુકાના કાળાસર ગામે રહેતો ધનજી નાનજી કોતરા નામના શખ્સે પોતાની વાડીમાં વાવેતર કરેલા ગાંજાનો તૈયાર પાક ખેતરની ઓરડીમાં વેંચાણ અર્થે છૂપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. આર.એસ.સાકળીયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ઓરડીમાંથી રૂા.15.93 લાખની કિંમતનો 159 કિલો સુકો ગાંજા સાથે વાડી માલિક ધનજી નાનજી કોતરાની ધરપકડ કરી મુદ્ામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સ કેટલા સમય વાવેતર કરે છે અને કોને વેંચાણ કરે છે તે મુદ્ે વિશેષ તપાશ આટકોટ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એસ.સીસોદીયા સહિતના સ્ટાફે તપાશનો ધમધમાટ આદર્યો છે.