જસદણના ખાનપર રોડ નજીકથી પસાર થતી ભાદર નદીમાંથી કોહવાયેલી હાલતમાં રોજડાની શંકાસ્પદ લાશ મળી આવી હતી. આ બનાવ અંગેની જાણ જીવદયાપ્રેમીઓને થતા તાત્કાલિક જસદણ વનવિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરતા તમામ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે વનવિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં વાડી માલિકો દ્વારા રોજડાની રંજાડથી બચવા માટે વાડીના શેઢે થ્રી ફેઈઝ પાવરનો છેડો મૂકી રોજડાને ઈલેક્ટ્રીક શોર્ટ આપી મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવ્યું હતું.
ભુંંડ અને રોજડા વાડીમાં નુકશાન કરતા થ્રી ફેઇઝ શોર્ટ ગોઠવ્યો તો: વન વિભાગ દ્વારા તપાસ
બાદમાં વાડી માલિકોએ જ તમામ પુરાવાનો નાશ કરવા માટે રોજડાની લાશને વાડીની બાજુમાંથી પસાર થતી ભાદર નદીમાં ફેંકી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેથી જસદણ વનવિભાગની ટીમે તાત્કાલિક પશુ ચિકિત્સકને ઘટના સ્થળે બોલાવી રોજડાની લાશને ટ્રેક્ટરની મદદથી ભાદર નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. જસદણ નજીક બનેલી આ ઘટનાને લઈને જીવદયાપ્રેમીઓમાં વાડી માલિકો સામે ફિટકાર વરસાવ્યો હતો અને આ રોજડાને મોતને ઘાટ ઉતારનારા વાડી માલિકો વિરુદ્ધ જસદણ વનવિભાગના અધિકારીઓ દ્વારા આકરા દંડ સહિતની સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રોજડું દરરોજ વાડીમાં આવતું હતું અને હેરાન કરતું હતું. જેથી આ રોજડું નીકળ્યું અને લાઈટનો છેડો દીધો એટલે રોજડું તેને અડ્યું અને સીધું ઉલળીને ભાદર નદીમાં પડ્યું હતું. જ ત્યાં થ્રી ફેઈઝ પાવરનો છેડો દીધો હતો. ખાલી જનાવર નીકળે તો જ પાવરનો છેડો આપતા હતા. આ શોર્ટ ગોઠવવા માટે તંત્રની કોઈ મંજુરી લીધી ન હતી. બધા ખેડૂતો આવી રીતે શોર્ટ મુકતા હોય છે તેમ વાડી માલીક હરેશભાઇ હીરપરાએ જણાવ્યું હતું.
અમે આખી રાત ભૂંડ અને રોજડાના ત્રાસના લીધે વાડીએ ખેડુતો આખી રાત જાગે છે. જેથી ભૂંડના ત્રાસથી બચવા માટે અમે શોર્ટ મુક્યો હતો. ત્યારે રોજડું ત્યાં આવ્યું અને અમે શોર્ટ દીધો એટલે રોજડું સીધું ઉલળીને નદીમાં પડ્યું હતું અને નદીમાં પડી જતા તેનું મોત થયું હતું. રોજડાને બીવડાવવા માટે થ્રી ફ્રેઇઝ પાવર મુકયો હોવાનું ખેડુત ભનાભાઇ હરીપરાએ જણાવ્યું છે.
પીએમ રીપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જસદણ ફોરેસ્ટ અધિકારી ભરતભાઇ રંગપરાએ જણાવ્યું છે.