જસદણ નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠક આગામી તા.૧૭ને મંગળવારના રોજ બોલાવવામાં આવી છે. જેમાં ભ્રષ્ટાચારના જે લાખો રૂપિયાના ચુકવાયેલા બિલો પસાર થશે તેનો સભ્યો વિરોધ કરશે એમ જાણવા મળે છે. શહેરની નગરપાલિકામાં વિવિધ કામોના કોન્ટ્રાકટરો અને વેપારીઓને લાખો રૂપિયાના બિલો ચુકવાય છે અને એક પણ કામમાં ભલીવાર નથી થઈ હાલ કોંગ્રેસ અને ભાજપ ભાઈ-ભાઈ થઈ જતા પાલિકામાં એકપણ જાતની તપાસ થતી ન હોવાથી પાલિકા માથે વિજ અને પાણીના કરોડો રૂપિયાનું દેવું છે એવું ખુદ કારોબારી ચેરમેન બિજલ ભેંરાજાળીયા જાહેરમાં કહે છે ત્યારે મંગળવારની કારોબારી બેઠકમાં તડાફડીના એંધાણ છે.
નગરપાલિકામાં સભાખંડ હોવા છતાં મંગળવારે બપોરે ત્રણ કલાકે તાલુકા સેવા સદનમાં આ બેઠક કેમ રાખવામાં આવી ? તે અંગે સભ્યોમાં અનેક ચર્ચા સાંભળવા મળે છે. પાલિકાની પ્રથમ કારોબારી બેઠક અંગે સમિતિના દરેક સભ્યોને એજન્ડા પાઠવવામાં આવ્યા છે. જેમાં કુલ મળી આઠ એજન્ડા લેવામાં આવ્યા છે. જો કામો શંકાસ્પદ હશે તો કારોબારીમાં પસાર થવા નહીં દેવાય તેવી ચોખ્ખી વાત કારોબારી બેઠક પહેલા ચેરમેન બિજલ ભેંશજાળીયાએ કરી છે ત્યારે બેઠકમાં સભ્યો વચ્ચે તડાપીટ થાય એવી શકયતા નકારી શકાતી નથી.