- મોડીરાત્રે સર્જાયેલી ઘટનાને પગલે હોસ્પિટલે સામાજીક અને રાજકીય અગ્રણીઓ દોડી ગયા એક સાથે ત્રણની અર્થી ઉઠતા શ્રમિક પરિવાર જાણે આભ ફાટયા જેવા કરૂણ દ્રશ્યો સર્જાયા
- દેવપરા ગામેથી માસુમ ત્રણ ભાણીને મુકતા જતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત
જસદણ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલા બાખલવડ ગામ નજીક મોડીરાત્રે હીટ એન્ડ રનની દુઘટના સર્જાય છે. જેમાં મામા અને બે ભાણીના મોત નિપજયા છે.દેવપરા ગામનો યુવાન પોતાના ત્રણ ભાણીને પોતાના બહેના ઘરે મુકવા જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતીકારે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં માસુમ બે બહેનો અને તેના મામાનું મોત નિપજયું છે. જયારે એક ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ જસદણ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના દેવપરા ગામે રહેતા અજયભાઈ વલ્લભભાઈ સદાદીયા નામના 30 વર્ષિય યુવાન પોતાનું બાઈક લઈને પોતાના ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકીયા નામની આઠ વર્ષિય, માહી રણછોડભાઈ ઓળકીયા નામના ચાર વર્ષિય અને પુનમ રણછોડભાઈ ઓળકીયા સહિત બહેનો ઘરે જસદણ ખાતે મૂકવા જતા હતા.કમળાપુર નજીક બાખલવડ ગામ નજીક પહોચ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી જી.જે.1 એચ.એમ. 7937નંબરની કારે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. હાઈવે ચીચીયારીથી ગાજી ઉઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ જસદણ પોલીસ મથકને થતા પીઆઈ ટી.બી.જાની સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.ઘટનાની જાણ થતા 108 દોડી આવી હતી. તમામને પ્રથમ જસદણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જયાં ફરજ પરનાં તબીબે માહી ઓળકીયાને મૃત જાહેર કર્યા હતા. જયારે કિંજલબેન ઓળકીયા અને કિંજલબેન ઓળકીયાનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. અજયભાઈ સદાદીયા અને પુનમબેનને વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવતા જયાં અજયભાઈએ દમ તોડયો હતો.
આ બનાવની જાણ રાજકીય સામાજીક કાર્યકરોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસે મૃતકોના પી.એમ. કરાવી મૃતદેહને પરિવારજનો સોપ્યા હતા એક સાથે મામા-ભાણેજોની અર્થી ઉઠતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાયું હતુ.પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ મૃતક અજયભાઈ બે ભાઈ અને બે બહેન છે અને અપરિણીત છે. બહેન મનીષાબેન રણછોડભાઈ ઓળખીયા જસદણ ખાતે સાસરે છે. તેઓને ત્રણ દિકરી અને એક દિકરો છે જેમાં બે નાની પુત્રીઓનાં મોત નિપજયા છે. શ્રમિક પરિવારમાં એક સાથે ત્રણ ત્રણ મોતથી જાણે આભ ફાટયા જેવા દ્રશ્યો સર્જાયા હતા.