- ઘેલા-સોમનાથ બસ સેવાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
શ્રાવણ માસના પ્રારંભે જ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે ધેલાસોમનાથ- રાજકોટ વાયા જસદણ રૂટની બસ તથા રૂ. 186 લાખના ખર્ચે નવીનીકરણ થયેલા શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું લોકાર્પણ પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યા હતા.
મીનળદેવી માતાજી મંદિરના લોકાર્પણ બાદ મંત્રીએ મંદિરમાં પુજા અર્ચના કરીને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, ત્યાર બાદ મંત્રીશ્રીએ મંદિરના પાછળના ભાગમાં વિકસાવવામાં આવેલા ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગાર્ડનમાં બેસવા માટેના બાંકડા, પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા તથા ડ્રીપ ઈરીગેશન મારફતે વૃક્ષોને પિયત કરવા સુચવ્યું હતું.
આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જસદણ-વિંછીયા તાલુકાઓ આર્થિક, સામાજિક અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યા છે. મીનળદેવી માતાજી મંદિરના નવીનીકરણ તથા તેના લોકાર્પણને કારણે પ્રવાસનને વેગ મળશે. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર માસ દરમિયાન અહીંયા મેળો યોજાય છે. જેનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશી તથા પ્રાંત અઘિકારી ગ્રીષ્મા રાઠવાએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ઉપસ્થિત મહાનુભાવોને મેળાના આયોજન, કાયદો અને વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન અને દર્શનાર્થીઓની સુરક્ષા-સલામતી તથા અન્ય વ્યવસ્થાઓ અંગે માહિતગાર કર્યા હતા.જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ, રાજકોટ દ્વારા અંદાજિત રૂ. 1,86,26,000 ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મીનળદેવી મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી મારબલ ફલોરીંગ અંદાજિત રૂા. 16,90,000 ના ખર્ચે, મીનળદેવી મંદિરના પાછળના ભાગમાં ક્રિડાંગણમાં તથા પગથીયા ઉપર ઈલેકટ્રીક પોલ, ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ, ઈલેકટ્રીક પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.આ તકે અગ્રણી અશ્વિનભાઈ સાંકળીયા, વિવિધ ગામના સરપંચઓ, વિંછીયા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, જસદણ-વિંછીયા મામલતદાર એમ.ડી દવે અને આર.કે પંચાલ, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.એન.ઝાલા સહીતના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.