- મનરેગામાં હાજરી કૌભાંડમાં ટોપ – ટુ- બોટમના જવાબદારો સામે તપાસ કરવા માંગ
દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ રોજગારની ખાતરી આપવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ લોકો તેમની આજીવિકા મેળવી શકે. સમય જતાં આ કાયદાને લગતા નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકા પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (ખૠગછઊૠઅ) હેઠળ કામ કરતા મજૂરો માટે 1 જાન્યુઆરી 2023 થી ડિજિટલ હાજરી મૂકવી ફરજિયાત કરવામાં આવી હતી. આ કાયદામાં ફેરફારનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો તેમજ જવાબદારીને ઠીક કરવાનો અને મસ્ટર રોલમાં ડુપ્લિકેશન ટાળવાનો હતો. છતાં જસદણ તાલુકા પંચાયત કચેરીના સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર આચરવા માટે ટેવાયેલા હોય તેમ મનરેગામાં ખુલ્લો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ હતી. જો કે આ ભ્રષ્ટાચાર બાબતે જસદણ ટીડીઓ દ્વારા દેવપરા, બાખલવડ અને હડમતીયા(ખાંડા) સહિતના 6 ગામોની તપાસ કરાવતા મેટ સહિતનાએ આચરેલો ભ્રષ્ટાચાર સાબિત થઈ ગયો છે. જેમાં 439 શ્રમિકોની ઓનલાઈન હાજરી હતી અને તે દિવસે 42 શ્રમિકો ગેરહાજર હતા જે ટીડીઓ ખુદ સ્વીકારી રહ્યા છે. જેથી સાબિત થયેલા આ ભ્રષ્ટાચારમાં એપીઓ, ટેકનીકલ સ્ટાફ, સરપંચ, તલાટી મંત્રી અને મેટ સહિતના તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ આમાં જસદણ ટીડીઓ દ્વારા કડક કરવાના બદલે આમાં જે કોઈ શ્રમિકો ગેરહાજર હતા તેની રોજગારી કાપવામાં આવશે અને મેટને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવશે તેવું મનોમન નક્કી કરી લેતા ટીડીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે શું જસદણ અધિકારી પણ આ ભ્રષ્ટાચારમાં ક્યાંક સંડોવણી હશે ખરા?. શું આ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલવા માટે જિલ્લા કક્ષાએથી દબાણ આપવામાં આવી રહ્યું છે? શા માટે જિલ્લા કક્ષાએથી આ ભ્રષ્ટાચાર બાબતે હજી સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં નથી આવી?
શું આ ભ્રષ્ટાચારના તાર જિલ્લા કક્ષા સુધી લંબાયેલા છે? વગેરે વેધક સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે.
જેથી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરી ભ્રષ્ટાચાર આચરનારા તમામ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે.
આમાં મેટ અને ગેરહાજર રહેલા શ્રમિકો સામે પગલા લેવાશે: કે.આર.ચુડાસમા-ટીડીઓ,જસદણ
જસદણ તાલુકાના 6 ગામોમાં કામો ચાલુ હતા. તે દિવસની ઓનલાઈન હાજરી હતી 439 અને અમે તપાસ કરતા તેમાં 42 શ્રમિકો ગેરહાજર હતા. મનરેગાના નિયમ પ્રમાણે હાજરી અથવા સ્થળ પર જે કામ થયેલ હોય તેમાંથી જે ઓછું હશે તેનું પેમેન્ટ ચૂકવવાનું છે. ખરેખર હાજરી પુરાવ્યા બાદ 42 શ્રમિકો તપાસ સમયે ગેરહાજર હતા. અમારી તપાસ દરમિયાન 42 શ્રમિકો ગેરહાજર જ હતા. મનરેગાના નિયમ પ્રમાણે આ ખરેખર ગેરરીતી જ છે. અગાઉના દિવસોમાં કેટલી ગેરરીતી થઈ છે તે મારા ધ્યાને આવ્યું નથી. અમારી તપાસમાં પંચ રોજકામમાં સ્વીકારેલ છે કે જે 42 શ્રમિકો તે દિવસે ગેરહાજર હતા અને તેઓ ગામમાં પાણી વિતરણ થયું હોય પાણી ભરવા માટે ગયા હતા. આમાં જે કોઈ શ્રમિકો ગેરહાજર હતા તેની રોજગારી કાપવામાં આવશે અને મેટને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવશે. આજે ડેપ્યુટી ડીડીઓ આવ્યા હતા તે તાલીમ માટે આવ્યા હતા કોઈ તપાસમાં આવ્યા ન હતા. આ બાબતે જિલ્લા કક્ષાએથી હજી સુધી કોઈ તપાસમાં નથી આવ્યા. હવે પછી આવી કોઈ ગેરરીતી ધ્યાને આવશે તો તાત્કાલિક પગલા લેશું. આમાં મેટ અને ગેરહાજર રહેલા શ્રમિકો સામે પગલા લેવાશે. હાજરી પુરવાની પ્રાથમિક જવાબદારી મેટની જ હોય છે. આમાં અન્ય કોઈની ડાયરેક્ટ જવાબદારી હોતી નથી.