જસદણ તાલુકાના જશાપર ગામની શાળાના શિક્ષકે આઇસીઆઇસી બેન્કનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા હિન્દી ભાષી શખ્સે મોબાઇલમાં લીંક મોકલી ઓટીપી નંબર મેળવી ક્રેડિટ કાર્ડથી રુા.1.07 લાખની છેતરપિંડી કર્યાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
હિન્દી ભાષી શખ્સે મોબાઇલમાં લીંક મોકલી ઓટીપી નંબર મેળવી ક્રેડીટ કાર્ડથી સાયબર ભેજાબાજે ખરિદી કરી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામના વતની અને જસદણના હરિકૃષ્ણ પાર્કમાં રહેતા જસાપરની શાળાના શિક્ષક હિતેન્દ્રકુમાર અરજણભાઇ રાઠોડે આઇસીઆઇસીઆઇ બૈન્કનું ક્રેડિટ કાર્ડની વિમાની સ્કીમ બંધ કરાવવા ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યા બાદ પોતાના મોબાઇલમાં હિન્દી ભાષી શખ્સે પોતે આઇસીઆઇસીઆઇ બેન્કનો કર્મચારી બોલતો હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા અંગે પૂછયું હતુ.ં ત્યારે તેને પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધાનું જણાવ્યું હતું પરંતુ હિન્દી ભાષી શખ્સે હજી ક્રેડિટ કાર્ડ બંધ ન થયાનું કહી મોબાઇલમાં એક લીંક મોકલી હતી અને તે કહે તેમ ઓપરેટ કરવા જણાવ્યું હતું. આથી તેના મોબાઇલમાં ઓટીપી નંબર આવ્યા હતા. તે નંબર હિન્દી ભાષી શખ્સે મેળવી હિતેન્દ્રકુમાર રાઠોડના ક્રેડિટ કાર્ડના આધારે રુા.1.07 લાખની ખરીદી કરી છેતરપિંડી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જસદણ પી.આઇ. ટી.બી.જાની સહિતના સ્ટાફે અજાણ્યા હિન્દી ભાષી શખ્સ સામે સાયબર ક્રાઇમ અને છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસ હાથધરી છે.