જમીનની ઉપજ બાબતે બોલાચાલી થતા નશામાં ધૂત પિતાએ માથામાં લાકડી ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો
જસદણ તાલુકાના કનેસરા ગામે આવેલા વાડી વિસ્તારમાંથી ગત શુક્રવારે વહેલી સવારે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં યુવાનનો મૃતદેહ મળ્યા બાદથી તેનો પિતા બટુકભાઈ ગુમ હોય અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હોય પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને જસદણના કનેસરા અને ભેટસુડા ગામની વચ્ચે આવેલ વીડીમાંથી પિતાને પકડી પડ્યો હતો.
વિગતો મુજબ કનેસરા નજીક વાડીમાં મહેશ બટુકભાઈ કુકડિયા (ઉં.વ.24) નામના યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસ ભેદ ઉકેલવા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મૃતક યુવાનના પરિવારજનોની પૂછપરછ કરતા મૃતક મહેશ અને તેના પિતા બટુક ચનાભાઈ કુકડિયા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ગત ગુરૂવારે રાત્રિના નશાની હાલતમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી હોવાની શંકા પોલીસ સેવી રહી હતી.જેથી તપાસ કરતા તેના પિતાએ જ હત્યા કર્યાં હોવાનું સામે આવતા પોલીસે તપાસ કરી તેની ધરપકડ કરી હતી
પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે એવી કેફીયત આપી હતી કે તેના પોતાના ભાગમાં રહેલી જમીનની ઉપજ તેમજ રૂપિયા બાબતે વાતચીત કરવા પુત્ર પાસે ગયો હતો. જ્યાં બંને વચ્ચે માથાકૂટ થતા ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલી લાકડી વડે પુત્રના માથાના ભાગે ઉપરાછાપરી ચારેક ઘા ઝીંકી દીધા હતા. તે વખતે તેનો પુત્ર તેની વાડીમાં શેઢા પાસે આવેલ ખાટલા પાસે બેઠો હતો. જ્યાં ખાટલામાં જ તેની હત્યા કરી નાખી હતી.