ફોર્મ ચકાસણીમાં બે અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા બાદ ૧૫ ઉમેદવારો મેદાનમાં: એક જ બેલેટ પેપરનો ઉપયોગ થવાથી ચૂંટણી તંત્રને રાહત
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. જેમાં બે અપક્ષ ઉમેદવારોના ફોર્મમાં ભુલ હોવાના કારણે તેઓના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેથી હવે જસદણ પેટા ચૂંટણીના જંગમાં ૧૫ ઉમેદવારો વધ્યા છે. જો કે, ચિત્ર સ્પષ્ટ આગામી ગુરુવારે થશે કારણ કે, ગુરુવારે પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હોવાથી તાજેતરમાં ચૂંટણીપંચ દ્વારા બેઠક પર પેટા ચૂંટણી યોજવા માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. પેટા ચૂંટણી માટે ગત તા.૨૬થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા તા.૩ના રોજ એટલે કે, ગઈકાલે પૂર્ણ થઈ હતી. ગત તા.૩૦ના રોજ ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ ભવ્ય રેલી સાથે જસદણ વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ ગઈકાલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કુલ ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
આજે ફોર્મ ચકાસણીના દિવસે બે ડમી ફોર્મ કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ અપક્ષ ઉમેદવારો શૈલેશભાઈ વશરામભાઈ છાયાણી તેમજ રોજાસરા પ્રવિણભાઈ જગાભાઈનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. શૈલેશભાઈએ પોતાના ફોર્મમાં ડિસ્કવોલીફીકેશનનું ખાનુ ખાલી રાખ્યું હતું.
જયારે પ્રવિણભાઈએ પોતાના ફોર્મમાં સહીં કરી નહોતી. જેના કારણે બન્નેનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. હાલ જસદણ પેટા ચૂંટણીના જંગમાં ૧૫ ઉમેદવારો વધ્યા હોવાથી એક જ બેલેટ પેપરનો ઉપયોગ થશે. જેના કારણે જિલ્લા ચૂંટણી તંત્રને રાહત થઈ છે. આગામી ગુરુવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ દિવસે જસદણ પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.