પૈસા લઈને આવવાનું કહી પિતા-પુત્રો છરી વડે તૂટી પડ્યા: ત્રણ સામે નોંધાતો ગુનો
જસદણમાં મામૂલી રકમની લેતી દેતી મામલે બે સગા ભાઈઓ પર છરી વડે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પૈસા લઈને આવવાનું કહી પિતા અને તેના બે પુત્રો છરી વડે તૂટી પડતા બંને ભાઈઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં રહેતા અને ડ્રાઈવિંગ કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મંથન મનોજભાઈ રવૈયા નામના 24 વર્ષીય યુવાને જસદણ પોલીસ મથકમાં વિશાલ જીતુ મેસુરિયા, અજય જીતુ મેસુરીયા અને જીતુ ગેલું મેસૂરિયા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી વિશાલ અગાઉ ફરિયાદી મંથનનું આઇસર ચલાવતો હતો. જેમાં ગઇ કાલે ફરિયાદી મંથન બાઈક પર જતો હતો ત્યારે ટાટા શોરૂમ પાસે વિશાલે તેને રોકી અગાઉના નીકળતા પૈસા માંગતા ફરિયાદીએ પૈસા લઈને આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ મંથન પોતાના ભાઈ રાજ સાથે પૈસા લઈને આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર વિશાલના અજય અને તેના પિતા જીતુએ છરી વડે હુમલો કરતા બંને ભાઈઓને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય પિતા પુત્રો સાથે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.