જસદણ ખાતે રૂ.૩૨૫.૨૩ લાખના ખર્ચે પાકા રસ્તાના નિર્માણનું ખાતમુર્હુત કરતા મંત્રી બાવળીયા
જસદણ તાલુકામાં રૂ. ૩૨૫.૨૩ લાખના ખર્ચે બનનારા ત્રણ પાકા રસ્તાનું ભૂમિ પૂજન તેમજ ખાતમુર્હુત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, જસદણ તેમજ વિંછીયા તાલુકામાં પાણી, આરોગ્ય અને રોડ રસ્તા સહિતના વિવિધ જરૂરી વિકાસ કામો દવારા બંને તાલુકાઓનો સર્વાંગી વિકાસ કરવાની રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
મંત્રી કુંવરજીભાઇ એ રાજ્ય સરકારની વિકાસ યાત્રાનો બંને તાલુકાઓને સમાન લાભ આપવાની અને છેવાડાના ગામોમાં સૌની યોજના થકી પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય, શિક્ષણ અને પરિવહન સુગમ બને તે માટે પાકા રોડ રસ્તાની કનેક્ટિવિટી થકી લોકોની સુખાકારી વધે તે માટે આયોજનો અને અમલીકરણ કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું.
મંત્રીના હસ્તે જસદણ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ત્રિવિધ ખાતમુર્હતમાં શીવરાજપુર થી ગોખલાણા વચ્ચે રૂ. ૧૧૮.૧૦ લાખના ખર્ચે ૭ કિલોમીટરનો પાકો રસ્તો, જસદણ થી ખાનપર વચ્ચે રૂ. ૬૫.૯૭ લાખના ખર્ચે ૨.૭૦ કિલોમીટરનો રોડ તેમજ સાણથલીથી ઈશ્વરીયા વચ્ચે રૂ. ૧૪૧.૧૬ લાખના અંદાજીત ખર્ચે ૮.૩૦ કિલોમીટર પાકો રસ્તો તૈયાર કરવા આવશે. ખાનપુર ચોકડીથી પાકો રસ્તો બનતા સ્વામિનારાયણ મંદિર જવા માટે યાત્રિકોને સુવિધા પ્રાપ્ત થશે. મંત્રી બાવળિયાએ સાણથલી ખાતે આંગણવાડી કેન્દ્ર “નંદઘરનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રંસગે અગ્રણીઓ ધીરુભાઈ ભાયાણી, હિરેનભાઈ સાકરીયા, પોપટભાઈ રાજપરા, મામલતદાર વી.એલ.ધાનાણી, તાલુકા વિકાસ અધિકારી વી. બી. ગોહિલ, જસદણ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.