વિદ્યાર્થીએ સાફ-સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિ સહિત ચાર શખ્સોએ આપી તાલિબાની સજા
આંબલી તોડવા જતી વેળાએ વીજ લાઈનમાં અડકતા બાળક દાઝ્યો હોવાનો ગૃહપતિનો બચાવ
જસદણ તાલુકા આંબરડી ગામે આવેલી જીવન શાળાના હોસ્ટેલમાં એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીને હોસ્ટેલના ગૃહપતિએ તાલિબાની સજા આપી વીજશોક આપતા તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ સાફ સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિ સહિત ચાર શખ્સોએ વીજશોક આપ્યાના આક્ષેપ બાળકના પરિવારજનોએ કર્યો છે. તો બીજી તરફ હોસ્ટેલ તંત્ર દ્વારા વિદ્યાર્થી આંબલી તોડવા જતા વીજતાર સાથે અડગતા દાઝ્યો હોવાનો બચાવ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના આંબરડી ગામમાં આવેલી જીવન બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા ધાર્મિક જીલાભાઈ મેમરિયા (ઉ.વ.14) નામનો છાત્ર ગઈકાલે હોસ્ટેલમાં હતો. એ સમયે ગૃહપતિ કિશન ગાંગડિયા દ્વારા બગીચો સાફ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ બાળકે એવું કહ્યું હતું કે, ’હું એક-બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ.’ એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને રૂમમાં લઈ જઈએ વીજ શોક આપ્યો હતો.
ધાર્મિક મેમરીયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેણે પોતાના પરિવારજનો સમક્ષ આપીવીતી વર્ણવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે રૂમમાં ગયા બાદ મારી સાથે શું થયું તે મને યાદ નથી. જેથી પિતા સહિતના પરિવારજનોએ જીવન શાળા હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાંગડીયા સામે આક્ષેપ કર્યા છે. પરંતુ હજી સુધી કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી પીડીત પરિવારજનોનું નિવેદન લેવા માટે આવ્યા નથી.
હોસ્ટેલમાં ઘટનાના દિવસે જ સીસીટીવી બંધ હોવાથી ધૂંટાતું રહસ્ય
આજથી પાચ-છ દિવસ પહેલા જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલી જીવન શાળા હોસ્ટેલમાં ધાર્મિક મેમરીયા નામનો વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીના પરિવારજનોએ હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાંગડીયા પર બાળકને વીજશોક આપ્યાના આક્ષેપો કર્યા છે. આ અંગે જીવનશાળા હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાંગડીયા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે ધાર્મિક આમલી તોડવા ગયો તે સમયે તેને વીજતાર અડી જતા દાઝી ગયો હતો.
પરંતુ જો હોસ્ટેલના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય પરંતુ જે દિવસે ધાર્મિક સાથે ઘટના ઘટી તે દિવસે જ હોસ્ટેલના સીસીટીવી કેમેરા બંધ હોવાનું ગૃહપતિ કિશન ગાંગડીયાએ જણાવ્યું હતું. જેથી હોસ્ટેલ તંત્ર પર અને સવાલો ઉઠી રહ્યા છે.
આંબલી પર ચડ્યા બાદ ધાર્મિકને વીજતાર અડી ગયો: ગૃહપતિ
આંબરડી ગામની જીવનશાળા હોસ્ટેલમાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યા બાદ તેના પરિવારજનોએ ગૃહપતિ કિશન ગાંગડીયા ઉપર આક્ષેપ કર્યા હતા. પરંતુ તે આક્ષેપો નકારતા ગૃહપતિ કિશન ગાંગડીયા જણાવ્યું હતું કે વિદ્યાર્થી ધાર્મિક કોઈને પણ જાણ કર્યા વગર આમલી પર ચડ્યો હતો. જ્યાં તેને વીજતાર અડી જતા તે દાઝી ગયો હતો. ઘટના સમયે પોતે અને વિદ્યાર્થીને દવા લેવા ગામમાં ગયા હોવાનું ગૃહપતિ કિશન ગાંગડીયાએ જણાવ્યું હતું.