જસદણના વિંછીયા રોડ પર આવેલ ઈન્દ્ર કોટન જીનીંગ પાસે સાંજના સુમારે ગઢડીયા(જસ) ગામના બાઈક ચાલકને રોંગસાઈડમાં આવતી નાગેશ્વર ટ્રાવેલ્સ બસના ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.
યાર્ડમાં મજુરીકામ કરી પોતાની વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટયો
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગઢડીયા(જસ) ગામે રહેતા અને વિંછીયા રોડ પર આવેલ ઈન્દ્ર કોટન જીનીંગ પાસે વાડી ધરાવતા વિહાભાઈ ભીમાભાઈ લેલા(ઉ.વ.55) સાંજના સુમારે જસદણ માર્કેટિંગ યાર્ડમાં મજુરીકામ કરી બાઈક લઈને પોતાની વાડીએ જતા હતા. ત્યારે સામેથી રોંગસાઈડમાં ધસી આવતી નાગેશ્વર ટ્રાવેલ્સના ચાલકે બાઈક ચાલક વિહાભાઈને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના પગલે સેવાભાવી લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને 108 ને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર બસના ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક વિહાભાઈ જસદણ માર્કેટિંગ યાર્ડમાં મજુરીકામ કરતા હતા અને મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતકને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. પરંતુ અકસ્માતે તેમનું મોત નીપજતા ચારેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. હાલ આ અકસ્માતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.