સિક્યુરિટી અને ડિફેન્સ મુદ્દે જાપાન-ભારત વચ્ચે મહત્વની ચર્ચા થઈ
સિક્યુરીટી અને ડિફેન્સ મુદ્દે ભારત અને જાપાન વચ્ચે મહત્વની ચર્ચા થઈ છે. આજે દ્વિપક્ષીય બેઠક દરમિયાન બન્ને દેશોના વિદેશ તથા સંરક્ષણ મંત્રીએ ટેકનોલોજી અને રણનીતિ મુદ્દે સહકારની ચર્ચા કરી હતી. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં સુરક્ષા નિષ્ણાંતોની ટીમ તેમજ વિદેશ મંત્રી એસ.જયશંકરની આગેવાનીમાં કૂટનીતિજ્ઞની ટુકડીએ જાપાનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ તકે જાપાનના વિદેશ મંત્રી તોસીમીત્સુ મોટેગી તેમજ સંરક્ષણ મંત્રી તારોકોનો ઉપસ્થિત રહ્યાં હતા. બન્ને પક્ષો વચ્ચે અગાઉ પણ સંરક્ષણ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે. દરમિયાન જાપાનના મંત્રીઓ વડાપ્રધાન મોદીને મળશે. ૨૦૧૮માં ઓકટોબર મહિના દરમિયાન ૧૩મી ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમીટમાં વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન સીન્જો અબે વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા , હતી. જેના અનુસંધાને બન્ને દેશોના વડાઓ તબક્કાવાર ચર્ચા કરી રહ્યાં છે. બન્ને દેશોની સુરક્ષા અને ડિફેન્સ મામલે સહકાર સાધવા માટે આ બેઠકને અગત્યની માનવામાં આવી રહી છે. જાપાની ટેકનોલોજીની મદદથી ભારતની સરહદો વધુ સુરક્ષીત રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ ઉપરાંત ઈન્ડોપેસીફીક ક્ષેત્રમાં બન્નેના ધ્યેય એક જ હોવાથી બન્ને દેશોનું હિત પણ આ મુદ્દે સહકાર સાધવામાં જોવા મળ્યું છે.
આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં દેશની સુરક્ષાના મુદ્દા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓની એક ટીમ જાપાની સંરક્ષણ મંત્રીને મળી હતી. બન્ને પ્રતિનિધિ મંડળો વચ્ચે સમુદ્રી ક્ષેત્રે સુરક્ષા અંગે ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે, ચીન અને જાપાન વચ્ચે લાંબા સમયથી સંરક્ષણ મુદ્દે મતભેદ જોવા મળે છે. બીજી તરફ ભારત પણ ચીનની દાદાગીરીથી મહદઅંશે ચિંતીત છે. આવા સંજોગોમાં બન્ને દેશોને ચીન સાથે અણબનાવ હોય સરહદો સુરક્ષીત રાખવાની વાત બન્નેના હિતમાં છે. જેથી હવે બન્ને દેશોની સુરક્ષા મુદ્દે એકબીજાનો સહકાર સાધે તે જરૂરી બની જાય છે.
આ ઉપરાંત ભારતની સરહદો ખુલ્લી છે માટે જાપાની ટેકનોલોજી ભારતની સરહદોની રક્ષા માટે મહત્વપૂર્ણ છે. જાપાન વિકસીત દેશ છે. ઉપરાંત જનસંખ્યા પણ ઓછી છે. હાલ જાપાન દ્વારા ભારતમાં બુલેટ ટ્રેન સહિતના પ્રોજેકટ હાથ ધરાયા છે. આવા સંજોગોમાં જાપાની ભારતમાં મોટા પ્રમાણમાં મુડી રોકાણ આવે તે ઈચ્છનીય છે. બીજી તરફ ભારતીય સહદને જાપાની ટેકનોલોજીનો ટેકો મળી રહે તો આર્થિકની સાથો સાથ સંરક્ષણની રીતે પણ ભારત ઝડપી પગભર બની શકે તેમ છે.