નવા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં મુડી રોકાણ કરવા ૭૦ જાપાનીઝ કંપનીઓ તૈયાર ઓટો પાર્ટસ, સંરક્ષણ, મશીનરી, ફૂડ અને ફેબ્રિકેશનમાં દાખવ્યો રસ
જાપાનના વડાપ્રધાન સીન્ઝો અબે હજારો કરોડના રોકાણ લઈ ગુજરાતની મુલાકાતે આગામી તા.૧૩ સપ્ટેમ્બરથી આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન સીન્ઝો અબે ભારતને જાપાનના રોકાણનું હબ બનાવવા કેટલાક મોટા પગલાની જાહેરાત કરશે. જેમાં સુઝુકી મોટર કોર્પોરેશનની કાર ફેકટરી અને બીજા ઔદ્યોગીક પાર્કના ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે. ત્રણ દિવસની મુલાકાતમાં સીન્ઝો અબે લીથીયમ બેટરી આયન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. વાર્ષિક દ્વિપક્ષીય શીખર મંત્રણામાં અબેના મુખ્ય લક્ષ્યાંકમાં ભારત સાથેના આર્થિક સહકારમાં વધારો કરવો અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. જાપાનીઝ વડાપ્રધાનની મુલાકાતથી મેઈક ઈન ઈન્ડિયા હેઠળ જાપાન ઈન્ટરનેશનલ કો.ઓપરેશન એજન્સી દ્વારા સ્પોન્સર્ડ ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ અને રાજસ્થાનના ઉત્પાદન પ્રોજેકટસનો માર્ગ મોકળો બનશે.
ગુજરાતમાં દ્વિતીય જાપાનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં મુડી રોકાણ કરવા, જાપાનની ૧૫ કંપનીઓ વચનબધ્ધ થઈ છે. અન્ય ૫૫ કંપનીઓ ભારતમાં મુડી રોકાણ અને વ્યાપારની તકને જોતા આ કલ્સ્ટરની મુલાકાત લે તેવી અપેક્ષા સેવવામાં આવે છે. ગુજરાતમાં જાપાની કંપની દ્વારા ૧૫૫ હેકટર્સમાં ફેલાયેલા ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. આ પાર્ક સાણંદ નજીક ખોરાજમાં અપાઈ રહ્યો છે. અગાઉ અન્ય એક પાર્કનું નિર્માણ, સાણંદથી ૬૬ કિ.મી.દૂર વિઠ્ઠલપુરની ૧૨૦ હેકટર જમીનમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા થયું હતું. પ્રથમ કલ્સ્ટરમાં જાપાની અને ભારતીય કંપનીઓ ભાગીદારીથી રૂ.૧૫૦૦ કરોડના મુડી રોકાણ કર્યા છે. આ કલ્સ્ટરમાં મુડી રોકાણ કરવા અનેક જાપાની કંપનીઓ કતારમાં જણાય રહી છે. જાપાની કંપનીઓ મોટાભાગે ઓટો પાર્ટસ, સંરક્ષણ, મશીનરી, ફૂડ અને ફેબ્રીકેશનમાં રોકાણ કરવા ઈચ્છુક છે. એક અંદાજ મુજબ જો દરેક કંપની તરફથી રૂ..૧૦૦ કરોડનું મુડી રોકાણ આવે તો પણ કુલ મુડી રોકાણ ૭૦૦૦ કરોડને પાર થઈ જાય.
વધુમાં વધારાની ૭૦ કંપનીઓ ઉપરાંત ૪૬ ભારતીય કંપનીઓ પણ સુઝુકી મોટર કોર્પોરેશન્સના હાંસલપુર વેન્ડર પાર્કમાં મુડી રોકાણ કરવા રસ ધરાવે છે. અત્યારે રાજય સરકારે કુલ ૧૦ કંપનીઓને મંજૂરી આપી દીધી છે જેમાંથી પાંચ કંપનીઓએ પોતાના પ્રોજેકટ રજૂ કરી દીધા છે. આ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સાથે હાલ સીધા કે અડકતરી રીતે ૨૦૦૦ લોકો રોજગારી મેળવે છે. પાર્કમાં લાખો લોકો રોજગારી મેળવી શકે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.