વડાપ્રધાન મોદી અને અબેનો સાબરમતી આશ્રમ સુધી ભવ્યાતિભવ્ય રોડ-શો: જાપાની વડાપ્રધાન સાથે ૫૫ કંપનીઓના સીઈઓનું આગમન: લોન અને મુડી રોકાણનો વરસાદ
જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે ગુજરાતના મોંઘેરા મહેમાન બન્યા છે. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો અબે આજથી બે દિવસ અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે છે. જાપાની પીએમ તેમના ધર્મપત્ની એકી અબે તેમજ ડેલીગેશન સાથે ટોકીયોથી અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉત્તરણ કર્યું છે.
જાપાનના વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા અમદાવાદને દુલ્હનની જેમ સજાવાયું છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ, વસ્ત્રાપુરથી રિંગરોડ થઈને ગાંધીનગર મહાત્મા મંદિર, સાબરમતી સ્ટેશન સુધીના માર્ગો પરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. તમામ રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત છે. કદાચ પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે, કોઈ દેશના વડાપ્રધાન રાજધાનીના બદલે કોઈ એક રાજયના પ્રવાસે આવીને ત્યાંથી જ વિદાય લેશે. આજે મોદી અને અબે સાબરમતી આશ્રમ સુધી રોડ-શો કરશે. સાંજે અમદાવાદમાં બન્ને વૈશ્ર્વિક નેતાઓ ગુજરાતી સહિતના વ્યંજનો માણશે.
આવતીકાલે રૂ.૧.૦૮ લાખ કરોડના ૫૦૮ કિ.મી. લાંબા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે જાપાન ૧ હજાર કરોડની શોફટ લોન અને અલંગ માટે ૬૦૦ કરોડની સોફટ લોન આપશે. વડોદરામાં હાઈસ્પીડ ટ્રેનની ટ્રેનીંગ માટે ખાસ ઈન્સ્ટિટયુટ બનશે. જયાં રેલવેના અધિકારીઓને તાલીમ અપાશે.
ચાર વર્ષમાં ૧૦ વખત મળી ચૂકયા છે. આજે તેમની ૧૧મી મુલાકાત છે. ગુજરાત અને જાપાન વચ્ચેની મૈત્રીને ૨૦૦૭ થી ૨૦૧૭ સુધીનો દસકો થયો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૭માં પ્રથમવાર જાપાન ગયા હતા તે મુલાકાત સમયે જાપાન અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોનો પાયો મજબૂત બન્યો હતો. હવે આજે જાપાની વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અતિ મહત્વનો બન્યો છે. જાપાની મુડી રોકાણનો સૌથી વધુ લાભ ગુજરાતને મળશે. આવતીકાલે જાપાનની ૧૫ કંપનીઓ મુડી રોકાણ માટે એમઓયુ કરશે. આ કંપનીઓ ઓટો મોબાઈલ, એન્જીનીયરીંગ અને ઈલેકટ્રોનીક ક્ષેત્રોમાં એકમો સ્થાપવા રૂચી ધરાવે છે.
જાપાનના વડાપ્રધાન સાથે ૫૫ કંપનીઓના સીઈઓનું ડેલીગેશન પણ ગુજરાત આવશે. આવતીકાલે મહાત્મા મંદિરમાં ઈન્ડિયા-જાપાન એન્યુઅલ મીટીંગ દરમિયાન અનેક એમઓયુ કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, જાપાનના ભારતમાં કુલ મુડી રોકાણમાંથી સૌથી વધુ એટલે કે ૨૩ ટકા મુડી રોકાણ ગુજરાતમાં છે. બીજા નંબરે ૮ ટકા સાથે મહારાષ્ટ્ર છે. શિન્ઝો અબેની મુલાકાતથી સૌથી વધુ લાભ ગુજરાતને થવાનો છે. બે દિવસમાં અતિ મહત્વના ૧૫ કરાર થશે. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા જાપાનનો સહયોગ મળશે. ઢોલેરામાં રૂ.૩૨૦૦ કરોડના ખર્ચે વિશ્ર્વ કક્ષાનો ઈપીએસ પ્રોજેકટ હાથ ધરાશે.
૧૭૫૦ એકરમાં અમદાવાદ નજીક મેન્યુફેકચરિંગ હબ બનાવાશે
જાપાન ગુજરાત સરકાર સાથે ઈન્સ્ટિટયુટ ઓફ મેન્યુફેકચરીંગ સ્થાપવા એમઓયુ કરવા જઈ રહ્યું છે. આ ઈન્સ્ટિટયુટના કારણે ગુજરાતમાં સ્કીલ ડેવલોપમેન્ટ તથા મેન્યુફેકચરીંગ ક્ષેત્રને વેગ મળશે. અમદાવાદથી ૪૧ કિ.મી.દૂર ખોરાજમાં ૧૭૫૦ એકર જમીન ઉપર જાપાન ઈન્સ્ટિટયુટ ઓફ મેન્યુફેકચરીંગની સ્થાપના કરશે. આ ઈન્સ્ટિટયુટનો સૌથી વધુ લાભ ઓટો મોબાઈલ ક્ષેત્રને થશે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, પાવર મેનેજમેન્ટ, ટેલીકોમ્યુનિકેશન, હ્યુમન રીસોર્સીસ અને હાઉસીંગ ક્ધટ્રકશન ક્ષેત્રે પણ સહયોગના કરાર થશે. જાપાન સરકાર પ્લગ એન્ડ પ્લે ફેકટરી, લોજીસ્ટીક એન્ડ હ્યુમન રીસોર્સીસ ઉપર વધુ ધ્યાન આપશે. આગામી ૧૦ વર્ષમાં આ ઈન્સ્ટિટયુટમાં ૩૦ હજાર યુવાનોને તાલીમ અપાશે.