ભારત-જાપાન વચ્ચે સંરક્ષણ, સાયબર સ્પેસ, હેલ્થ, બુલેટ ટ્રેન સહિતના કરારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે ત્યારે ભારતમાં હાલ રૂપિયાની નબળી સ્થિતિને મજબૂત બનાવવા માટે જાપાન સાથે ૭૫ બીલીયન ડોલરના કરારો કર્યા છે. જેમાં બુલેટ ટ્રેન, હેલ્થ, સંરક્ષણ અને સાયબર સ્પેસ સહિતની કુલ ૬ સંધી કરવામાં આવી છે.
ભારત-જાપાનના ૧૩માં વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન બે દિવસીય જાપાન પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારે તમામ કરારો ઉપરાંત યોગ અને આયુર્વેદને પણ બુસ્ટર ડોઝ આપવા માટેના નિર્ણયો લેવાયા હતા. બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત યોગ અને આયુર્વેદને લઈને કરારો થયા છે.
ભારતના આયુષ મંત્રાલય અંતર્ગત બન્ને દેશો વચ્ચે પરંપરાગત ચિકિત્સાની આપ-લે વધશે. તો જાપાન હેલ્થ પોલીસી અંતર્ગત આયુર્વેદને સ્થાન આપશે. ભારત-જાપાન વચ્ચે ૭૫ અબજ ડોલર કરન્સી એકસચેન્જના કરારો થયા હતા. ત્યારબાદ દેશના નિવેદનમાં કહેવાયું હતું કે, કેપીટલ માર્કેટ અને વિદેશી વિનીમયને પણ સ્થિરતા મળશે.
ભારતમાં હાલ ડોલર સામે રૂપિયાની જે સ્થિતિ છે તેને સ્થિર કરવા માટે આ કરારો ખૂબજ મહત્વના સાબીત થશે. કરાર અંતર્ગત જો જરૂર પડશે તો ભારત ૭૫ અબજ ડોલરની કરન્સીનો ઉપયોગ કરી શકશે અને તેના માટે જાપાને સહકાર આપવાની ખાતરી આપી છે.