અમદાવાદના બે દિવસ માટે મહેમાન બનેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે મીઠામધુર સંભારણા સાથે જાપાન જવા રવાના થઈ ગયા છે.
અગાઉ મહાત્મા મંદિરમાં ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મિની જાપાન જોવાનું મેં જે સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. ગુજરાતમાં વધુ એક જાપાની ટાઉનશીપ બનશે. વડાપ્રધાને જાપાની પીએમ આબે શિન્ઝોને પોતાના ખાસ અંગત મિત્ર ગણાવ્યા હતા, મોદી આ વાક્ય બોલ્યા ત્યારે આબે શિન્ઝો સહિત ઉપસ્થિત તમામ લોકોએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધું હતું. મોદીએ જાપાનના લોકોને ભારતમાં આવી રોકાણ કરવાનું આમંત્રણ પાઠવી પૂરતા સહકારની બાંયધરી આપી હતી. જાપાનીઝ ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ માટે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તામિલનાડું એમ ચાર સ્થળો પસંદ કરવામાં આવ્યા છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આભાર પ્રાઈમ મિનિસ્ટર આબેશાન, હું આમંત્રણ આપું છું કે એવું રોકાણ કરો કે અહીં જ વસી જાવ. અમને તમારી જરૃરિયાત છે. આબેનો આભારી છું કે તેમણે મને સપોર્ટ કર્યો. ભારત અને જાપાનના સંબંધો એક નવી ઊંચાઈ સર કરશે. ભારત અને જાપાનને હંમેશાં એકબીજા પ્રત્યે આકર્ષણ રહ્યું છે. જાપાન પાસે જ્ઞાન અને ટેક્નોલોજી તથા ભારતમાં માનવસંસાધનને વધુ કાર્યક્ષમ બનાવવાની ક્ષમતા નવી તાકાત બનીને ઊભરશે. ભારતમાં જાપાની કંપનીઓનું મૂડીરોકાણ દેશના ઔદ્યોગિક વિકાસનો નકશો બદલી નાખશે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ૫૦૦ કિમીના અંતરનું આ સોપાન ૨૦૨૨-૨૩ સુધીમાં કાર્યરત થશે, તેના માટે હાઈસ્કીલ મેનપાવર જોઈશે, જે બંને દેશો પૂર્ણ કરશે.બીજીબાજુ જાપાનના વડાપ્રધાન આબેએ તેમના સંબોધનમાં મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતાં. તેમણે સંબોધનના અંતે જય ભારત જય જાપાન શબ્દો ઉચ્ચારતા તોળીઓનો ભારે ગડગડાટ થયો હતો.