ચીનની સાથે જોવા મળી રહેલાં ડોકલામ વિવાદ પર જાપાને ભારતને સમર્થન આપ્યું છે. જાપાને કહ્યું છે કે કોઈપણને ધાક-ધમકીથી ક્ષેત્રની યથાસ્થિતિમાં બદલાવના પ્રયાસો ન કરવા જોઈએ.
જાપાને માન્યું કે ડોકા લા વિવાદાસ્પદ વિસ્તાર
જાપાનના ભારત ખાતેના રાજદૂત કેનજી હિરામાત્સુએ આ મુદ્દે જાપાનના વલણને સ્પષ્ટ કર્યુ છે. કેનજી ભૂતાનમાં પણ જાપાનના રાજદૂત છે. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બરમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબે ભારત આવવાના છે અને આ અગાઉ જાપાને ડોકા લા વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. હિરામાત્સુએ સ્પષ્ટપણે કહ્યું છે કે ‘ડોકા લા એ ભૂતાન અને ચીન વચ્ચેનો વિવાદાસ્પદ વિસ્તાર છે અને બે દેશો વચ્ચે સરહદ વિવાદ પર વાત ચાલી રહી છે. જાપાન એ પણ જાણે છે કે ભારતની ભૂતાન સાથે દ્વિપક્ષીય સંધિ છે જેના કારણે ભારતના સૈનિકો વિસ્તારમાં તૈનાત છે.’ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત ડિપ્લોમેટિક ચેનલ્સ દ્વારા ચીન સાથે વાતચીતની કોશિશ જારી રાખશે. અમે માનીએ છીએ કે આ મામલે શાંતિપુર્વક ઉકેલ લાવવા આ વલણ જરૂરી છે.
શું છે ડોકા લા વિવાદ?
આ વિવાદ 16 જૂને શરૂ થયો હતો. ડોકા લા વિસ્તારમાં ભારતના સૈનિકોએ ચીનના સૈનિકોને રસ્તો બનાવતા રોક્યા હતાં. જો કે ચીનનું કહેવું છે કે તે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે. આ વિસ્તારને ભારતમાં ડોકા લા અને ભૂતાનમાં તેને ડોકલામ કહે છે. ચીન દાવો કરે છે કે આ વિસ્તાર તેના ડોંગલાંગ વિસ્તારનો એક ભાગ છે. ભારતના જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની 3488 કિમી લાંબી સરહદ ચીન સાથે જોડાયેલી છે જેમાંથી 220 કિમીનો વિસ્તાર સિક્કિમમાં આવે છે.
ભારતને શું ચિંતા છે?
ભારતે ચીનને જણાવ્યું છે કે ચીનના રસ્તા નિર્માણના કાર્યથી વિસ્તારની હાલની સ્થિતિમાં મહત્વનો ફેરફાર થશે જે ભારતની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. રોડ લિંકથી ચીનને ભારત પર એક મોટી મિલેટ્રી એડવાન્ટેજ મળી રહેશે. જેનાથી નોર્થ ઈસ્ટર્ન સ્ટેટસને ભારત સાથે જોડાનારો કોરિડોર ખતરામાં પડશે. ચીને ભારતને ડોકા લામાંથી પોતાની સેના હટાવવા જણાવ્યું તો ભારતે આ માગણી ફગાવી દીધી.