- ઇ-વિઝા સેવા શરૂ : સિંગલ એન્ટ્રી વિઝા પ્રવાસીઓને 90 દિવસ સુધી દેશમાં રહેવાની માન્યતા આપશે
જાપાનની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા ભારતીયો માટે હવે જાપાનની યાત્રા સરળ બનવા જઈ રહી છે. જાપાને ઔપચારિક રીતે ઈ-વિઝા સિસ્ટમ શરૂ કરી દીધી છે. જો કે, માત્ર ભારત જ નહીં, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ સહિત લગભગ 90 દેશોના મુસાફરોને આનો લાભ મળે તેવી શક્યતા છે.
આ સિંગલ એન્ટ્રી વિઝા પ્રવાસીઓને 90 દિવસ સુધીની માન્યતા આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યું છે જેઓ સામાન્ય પાસપોર્ટ ધારક છે અને હવાઈ મુસાફરી દ્વારા જાપાન પહોંચવાની યોજના બનાવી રહ્યા છે. અરજદારો જાપાન ઈ-વિઝા સિસ્ટમ દ્વારા વિઝા મેળવી શકશે.
જાપાન વિઝા એપ્લિકેશન સેન્ટરનું સંચાલન વીએફએસ ગ્લોબલ દ્વારા કરવામાં આવે છે. તેના હેઠળ સિંગલ એન્ટ્રી શોર્ટ ટર્મ વિઝા મળી શકશે જે ખાસ ટુરિઝમના હેતુ માટે હશે. તેના દ્વારા તમે જાપાનમાં 90 દિવસ સુધી રોકાઈ શકશો. ભારતના નાગરિકો તથા ભારતમાં વસતા વિદેશીઓ ઇવિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે.
આ નવી સિસ્ટમ હેઠળ અરજકર્તાઓએ અગાઉની જેમ જ તેમની એપ્લિકેશન વીએફએસ ગ્લોબલ દ્વારા મેનેજ થતા વિઝા એપ્લિકેશન સેન્ટરને સબમિટ કરવાની રહેશે. જોકે ત્યાર પછી તેમના પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવામાં નહીં આવે, પરંતુ જે એપ્લિકેશન સફળ થશે તેને ઈલેક્ટ્રોનિક વિઝા અપાશે.
વિઝા કોને મળશે?
ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કંબોડિયા, કેનેડા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, તાઇવાન, સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, અમેરિકા સહિતના ઘણા દેશો જાપાનના નવા ઇ-વિઝાનો લાભ લઈ શકે છે.
કેવી રીતે અરજી કરવી ?
જાપાન ઇ-વિઝાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ પછી, મુસાફરી અનુસાર યોગ્ય વિઝા પસંદ કરવા પડશે અને સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે. દસ્તાવેજો સિવાય, પોર્ટલ પર જરૂરી માહિતી પ્રદાન કરવાની રહેશે.વિઝા ફી અંગેની માહિતી ઈમેલ દ્વારા પ્રવાસી સુધી પહોંચશે. ચુકવણી કર્યા પછી ઈ-વિઝા આપવામાં આવશે. જો કે, અરજી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિને રૂબરૂ હાજર થવા માટે પણ કહેવામાં આવી શકે છે.