બાબા સાહેબનો જીવનમંત્ર હતો નેશન ફર્સ્ટ: હું પહેલા ભારતીય છું અને અંતે પણ ભારતીય છું !
સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઇ.સ. 1990 માં મરણોપરાંત જેમને ભારતનું સર્વોચ્ચ સન્માન ’ભારત રત્ન એવોર્ડ’ અપાયો એ સૂબેદાર રામજી સકપાલ અને માતા ભીમાબાઇનું ચૌદમું સંતાન રાષ્ટ્રનિર્માતા ડો.ભીમરાવ રામજી આંબેડકર.તેઓ માત્ર બંધારણ નિર્માતા , અસ્પૃશ્યતા સામે લડનારા એક સામાજિક યોદ્ધા , અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝુમનારા નેતા કે દલિત નેતા જ નહોતા.તેઓ એક મહાન રાષ્ટ્રનિર્માતા પણ છે.એક વિશાળ અને ઉત્તુંગ વ્યક્તિત્વનાં ધની એવા બાબાસાહેબનો જીવનમંત્ર હતો ’નેશન ફર્સ્ટ’ જે એમના દરેક કાર્ય અને વિચારનાં કેન્દ્રમાં રહ્યાં.સતત રાષ્ટ્રની ચિંતા કરનારા આ નેતાએ એક નવું જ ચિંતન રજુ કર્યું કે “રાષ્ટ્રને શક્તિશાળી બનાવવું હશે તો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા,સમતા અને બંધુત્વના વ્યવહારનો અનુભવ થવો જોઇએ.
બાબાસાહેબે ધાર્મિક, સામાજિક, રાજકીય,આર્થિક જેવા વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે અને આ જ ચિંતન તેમનાં સ્થાન-સ્થાન પર એ સમયે થયેલા ભાષણોમાં પણ વ્યકત થયું છે.જેમાં એમનો રાષ્ટ્રીય દ્રષ્ટીકોણ પ્રતિબિંબિત થાય છે.કોઇપણ વ્યક્તિ એનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરે તો એમાં એમની એ વિરાટતાનું દર્શન થાય છે.રાષ્ટ્રનિર્માણમાં ડો.બાબસાહેબનું યોગદાન ઐતહાસિક છે. રાષ્ટ્રનિર્માતાને પોતાના રાષ્ટ્રનો ઇતિહાસ , ધર્મ પરંપરા , સમાજ વ્યવસ્થા , રાજકીય ઇતિહાસ , લોક પરંપરા , સંસ્કૃતિ અને લોકમાનસ જેવા વિષયોનું સૂક્ષ્મજ્ઞાન હોવું જરુરી છે.આવા જ રાષ્ટ્રનેતા પોતાની પેઢીનું ન માત્ર પ્રતિનિધિત્વ કરે છે પરંતુ ભવિષ્યની પેઢી માટે એક આદર્શ રાજનેતા તરિકેનો આદર્શ પ્રસ્થાપીત કરે છે.
તેમનાં આચાર અને વિચાર આવનારી દરેક પેઢી માટે માર્ગદર્શક બની અને દિવાદાંડીની માફક રાહ પ્રશસ્ત કરે છે.રાષ્ટ્રનિર્માતા માટે 1.રાષ્ટ્ર બાબતનો સ્પષ્ટ દ્રષ્ટીકોણ 2.રાષ્ટ્રનિર્માણમાં પોતાની જાતને આહુત કરવી 3.સમાજ અને રાષ્ટ્રનિર્માણનો ગહન અભ્યાસ 4.શ્રેષ્ઠત્તમ ચરિત્ર 5.લોકસંગઠનની અદભૂત ક્ષમતા 6.રાષ્ટ્રનિર્માણનાં ભવિષ્યનો રોડમેપ 7.અસાધારણ નેતૃત્વ ક્ષમતા જેવા ગુણોની આવશ્યકતા રહેલી છે.ડો.બાબાસાહેબ એવા મહાપુરુષ હતા જેમાં ઉપરોકત ગુણોનો ભંડાર હતા.રાષ્ટ્રીય પ્રશ્ર્નો પરત્વે એમનો એક આગવો દ્રષ્ટીકોણ હતો , 15 જુન – 1932નાં જનતા સામયિકનાં અંકમાં એ વ્યકત થાય છે ’અસ્પૃશ્ય સમાજનાં ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્રકાર્ય અને દેશસેવાનું કાર્ય છે,આ માટેનો પુરુષાર્થ એટલે ભારત અને વિશ્ર્વની સેવા કરવા સમાન છે ’ તો 13 અને 31 જુલાઇ,1920નાં મૂકનાયકનાં અંકમાં તેઓ લખે છે કે જો આપણે રાષ્ટ્રની ઉન્નતિ ઇચ્છતા હોઇએ તો દુનિયાનાં મુખ્ય રાષ્ટ્રોમાં આપણને પણ માન મળવું જોઇએ , આ માટે પ્રયત્નો થવા જોઇએ તેમજ કોઇપણ રાષ્ટ્રમાં , સમાજમાં આંતરિક એકતા હોવી જોઇએ.4 એપ્રિલ ,1938 મુંબઇ વિધાનસભામાં બોલતા એમણે કહેલું હું કોઇપણ પ્રકારનાં ભેદભાવમાં માનતો નથી.હું પહેલા ભારતીય છું અને અંતે પણ ભારતીય છું.આવી વૃત્તિ જ ભારતની આઝાદી માટે પોષક છે.
15 અને 28 ઓગસ્ટ,1920નાં મૂકનાયક સામયિકમાં એમણે એક સમયે જાપાનની શું સ્થિતિ હતી અને આજે એમણે પ્રગતિ કરી દુનિયાનાં મુખ્ય રાષ્ટ્રોમાં પોતાનું સ્થાન બનાવી લીધું.ભારતમાં જેવા જાતિગત ભેદભાવો છે એવા એક સમયે જાપાનમાં પણ પ્રવર્તમાન હતા.પરંતુ સમુરાઇ જાતિના કહેવાતા વરિષ્ઠ વ્યક્તિઓએ પોતાનો જાતિગત અહંકાર છોડી પોતાના અજ્ઞાની અને દુ:ખી બંધુઓને જ્ઞાની અને સુખી બનાવ્યા.તેમનામાં પ્રેમ સંપાદન કરી પોતીકાપણાની નવી રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન કરી.જે માતૃભૂમિની ઉન્નત અવસ્થા માટે કારણભૂત બન્યું.પાંચ રાજ્યોની ચૂંંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે , જાતિગત સમીકરણોનાં આધારે નેતાઓ વાયદાઓ કરી અને વચનોની લ્હાણી કરી રહ્યા છે.રાષ્ટ્રનું હિત બાજુએ મુકી અને જાતિનાં આધારે ઉમેદવારોને ટિકિીટો અપાઇ રહી છે.લોકસભા જેવા લોકશાહીનાં પવિત્ર મંદિરમાં ’નેશનલ’ અને ’નેશનાલીઝમ’ જેવા વિષયો પર લાંબા ભાષણો થઇ રહ્યા હોય ત્યારે ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર નું રાષ્ટ્રીય ચિંતન કોઇક વાંચે -વિચારે અને એ પ્રમાણે આચાર-વિચારથી વહીવટ કરશે તો નિશ્ર્ચિતરુપથી રાષ્ટ્ર ઉન્નત થશે જ.