છેલ્લા ત્રણ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સરકારને થતી આવકમાં 57 ટકાનો ઉછાળો, ગત વર્ષની તુલનાએ આ વર્ષે જાન્યુ. થી માર્ચ સુધીમાં રજિસ્ટર્ડ પ્રોપર્ટીની સંખ્યામાં 78 હજારનો વધારો

જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં આ છેલ્લા ત્રણ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સરકારની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષની તુલનામાં આ સમયગાળામાં સરકારની આવક 57 ટકાના ઉછાળા સાથે રૂ. 4,876 કરોડે પહોંચી છે. રજિસ્ટર્ડ પ્રોપર્ટીની સંખ્યા જાન્યુઆરી-માર્ચ 2022માં 4,36,665 હતી જે 2023ના વર્ષના સમાન સમયગાળામાં વધીને 5,15,116 થઈ છે.

ગુજરાત સરકારે લગભગ 12 વર્ષ પછી જંત્રીના દરનું પુન: મૂલ્યાંકન કર્યું. સરકારે જાહેરાત કરી હતી કે 5 ફેબ્રુઆરીથી દરો બમણા થઈ જશે.  રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત અનેક સંગઠનોની રજૂઆતોને પગલે, નવા દરોનો અમલ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.

સત્તાવાર માહિતી અનુસાર, 2022-23 દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી એકત્રિત કરવામાં આવી હતી જે 14,318 કરોડ રૂપિયા હતી.  જે 2021-22માં એકત્રિત કરાયેલા 10,616 કરોડ રૂપિયા કરતાં 34.87 ટકા વધુ છે.  પાછલા વર્ષની સરખામણીમાં 2022-23માં રજિસ્ટર્ડ પ્રોપર્ટીની સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે.  સરકારી રેકોર્ડ દર્શાવે છે કે 2021-22માં 14,32,569 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી, જ્યારે 2022-23માં 16,75,648 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી. સત્તાવાર ડેટામાં જણાવાયું છે કે 2023ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આવક વધીને રૂ. 4,876 કરોડ થઈ હતી જે 2022ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી રૂ. 3,102 કરોડ હતી. આમ છેલ્લા 3 મહિનામાં સરકારની આવકમાં 57 ટકાનો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન, નોંધાયેલ મિલકતો 4,36,665 થી વધીને 5,15,116 થઈ છે. જેમાં 18 ટકાનો વધારો થયો છે.

સરકારની આવકમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો હિસ્સો 60થી 70%

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ચાર મોટા શહેરો રાજ્યની તમામ નોંધાયેલ મિલકતોમાં 60% થી 70% હિસ્સો ધરાવે છે. આ ચારેય શહેરોમાં અત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ જેટ ગતિએ થઈ રહ્યું છે. એક તરફ આખું રાજ્ય અને બીજી તરફ આ ચાર શહેરો તેમ છતાં આ ચારેય શહેરોમાંથી સરકારને વધુ આવક થઈ રહી છે.

અનેક શહેરોમાં દસ્તાવેજ નોંધણી માટે એક-એક મહિનાઓનું વેઇટિંગ

અનેક શહેરોની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટે એટલો બધો ધસારો થયો છે કે, દસ્તાવેજ નોંધણી માટે એક-એક મહિનાના વેઇટિંગ આવી રહ્યા છે. 15 એપ્રિલે નવા જંત્રી દર લાગુ થવાના હોવાથી દસ્તાવેજ નોંધણી માટે મોટી કતારો લાગતા મોડી રાત સુધી કામ કરતા સ્ટાફને શ્વાસ લેવાની પણ ફૂરસદ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.