રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડની 400 જેટલી સોસાયટી, 6 નગરપાલિકાઓ અને રૂડાના 54 ગામોમાં સર્વે કરાશે
ગ્રામ્ય કક્ષાએ જંત્રી રી સર્વે પૂર્ણ થયા બાદ હવે શહેરી કક્ષાએ સર્વે શરૂ કરવામાં આવશે. એમ જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે.આ સર્વેમાં પાલિકાના સ્ટાફને પણ ફરજ સોંપવામાં આવનાર છે.
ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રી રીસર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ 95 ટીમોએ 547 જેટલા ગામોમાં સર્વે કર્યો હતો.સરકાર દ્વારા જંત્રી રી-સર્વે કરવા માટે ખાસ અભિયાન હાથ ધરાયુ છે.
જે મુજબ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અંદાજે 300 જેટલા કર્મચારીઓ દ્વારા 95 ટિમો બનાવી રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં જંત્રી રીવીઝનની કામગીરીનો પ્રારંભ તા. 15 મેના રોજ કરવામાં આવ્યો હતો. જે હાલ પૂર્ણ થઈ ગયો છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ અંગે જણાવ્યું કે હાલના સમયમાં પ્રાંત કક્ષાએ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. હવે શહેરી કક્ષાના રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
સરકાર દ્વારા જંત્રી રી સર્વેનો આદેશ મળ્યા બાદ રાજકોટ જિલ્લામાં બે તબક્કામાં રી સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગ્રામ્ય કક્ષાનો રી સર્વે પૂર્ણ થઈ ગયો છે. હવે શહેરી કક્ષાનો રી સર્વે શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડની 400 જેટલી સોસાયટી, 6 નગરપાલિકાઓ અને રૂડાના 54 ગામોનો સર્વે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. જોકે તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી.
જે હાલ સુધી અમલમાં હતી. પણ ફરી જંત્રીના દરમાં વધારો જાહેર થતા 11 વર્ષ બાદ સચોટ સર્વે કરવામાં આવ્યો છે.
લેન્ડ ગ્રેબિંગના પેન્ડિંગ કેસ ઘટાડવા હવે દર 15 દિવસે 35થી 40 કેસો ધ્યાને લેવાશે
સરકારી કે ખાનગી જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં સરકારે જમીન ધારકોને ન્યાય અપાવવા લેન્ડગ્રેબિંગનો કાયદો ઘડ્યો છે. રાજકોટ જિલ્લામાં આ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અઢળક ફરિયાદો થઈ રહી છે. જેને પગલે પેન્ડિંગ કેસોની સંખ્યા 400ને આંબી ગઈ છે. પરિણામે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ દર 15 દિવસે બેઠક યોજી એક બેઠકમાં 35થી 40 કેસોનો નિકાલ કરવાનો નિર્ણય લીધો છે.