સરકારે જંત્રી દરના ફેર વિચારણા ન કરતા બિલ્ડરો લડતના માર્ગે, આજે તમામ જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદન આપ્યા, આગામી સમયમાં બીજા વિરોધ દર્શક કાર્યક્રમ આપવાની તૈયારી
જંત્રીદરમાં ઓચિંતો વધારો રાજ્યમાં બાંધકામમાં મંદી નોતરશે તેવું બિલ્ડરો જણાવી રહ્યા છે. સરકારે જંત્રી દરના ફેર વિચારણા ન કરતા બિલ્ડરો લડતના માર્ગે છે. જેમાં આજે બિલ્ડરોએ તમામ જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદન આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરોમાં 100 ટકાનો એટલે કે બમણો ભાવ વધારો ઝીંકાયો છે. છેલ્લે 2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા. ત્યારે આશરે 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરાયો છે, જે ગત સોમવારથી અમલમાં આવ્યા છે. કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ છે.
અગાઉ બિલ્ડરોએજંત્રી દરના વધારા સામે બે વખત મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. પણ સરકાર દ્વારા આ અંગે કોઈ રાહતની જાહેરાત કરાઈ નથી. જેને પગલે હવે ગુજરાતના તમામ બિલ્ડરો આ શુક્રવારે નવી જંત્રી પ્રમાણેનો એક પણ દસ્તાવેજ આખા ગુજરાતમાં ક્યાંય નહિ કરે તેવો નિર્ણય કરાયાનું જાણવા મળ્યું છે. ડબલ જંત્રીને લઈને પ્રજા પર પાડનારા બોજ મુદ્દે સરકાર સામે બિલ્ડરો લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ અંગે ક્રેડાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી કરેલ જંત્રીના દરમાં વધારાના કારણે બાંધકામ વ્યવસાયને મરણતોલ ફટકો પડશે તેમજ સામાન્ય લોકોને પણ ઘર ખરીદવું સ્વપ્ન બની રહેશે. વિશેષ માં બાંધકામ ઉદ્યોગની મંદી રાજ્યના વિકાસમાં બાધા બની જશે.
ગત સોમવારે માનનીય મુખ્યમંશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળીને ક્રેડાઈ ગુજરાત દ્વારા રજૂઆત તથા વિરોધ કરવામાં આવેલ અને સરકાર દ્વારા હકારત્મક અભિગમ ની ખાતરી આપવામાં આવેલ હતી.પરંતુ ૪ દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર પગલાં કે જાહેરાત કરવામાં આવેલ નથી.જેને કારણે સમગ્ર રાજ્ય ની જનતામાં આ મુદ્દે અસમજ સાથે અરાજકતા ફેલાયેલ છે.
ક્રેડાઇ ગુજરાતના તમામ સીટી ચેપટરે આજે દરેક જિલ્લા મથકોમાં કલેકટરોને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ સરકાર જો જંત્રી દર વધારાના નિર્ણયમાં ફેરવિચારણા નહિ કરે તો આગામી સમયમાં બીજા વિરોધ દર્શક કાર્યક્રમ આપવાની બિલ્ડરો તૈયારી કરી રહ્યા છે.