બિલ્ડરોની લડત રંગ લાવી, રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને લોકોના વ્યાપક હિતને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ જાહેર કરી રાહત
જંત્રી દરમાં વધારા મુદ્દે બિલ્ડરોએ જે લડત ચલાવી તે રંગ લાવી છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને લોકોના વ્યાપક હિતને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ રાહત જાહેર કરી છે. જેમાં જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જેનો અમલ હવે 15 એપ્રિલથી થવાનો છે.
ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવાનો સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઈ મુજબ રાજ્યમાં જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના એકાએક નિર્ણયને પગલે બિલ્ડર લોબીમાં રોષ સાથે અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવાર ખાતે બેઠક પણ કરવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માગ અંગે વિચારણાં કરવા માટે મુખ્યમંત્રીએ બાંહેધરી આપી હતી. બાદમાં આજે મુખ્યમંત્રીએ રાહતરૂપી જાહેરાત કરી છે.
નવા જંત્રી દર લાગુ થતા સબ રજીસ્ટ્રાર કચેરીઓ સુમસામ બની હતી
જંત્રી દરમાં વધારાને લીધે છેલ્લા ઘણા દિવસોથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ સુમસામ બની હતી. શુક્રવારે તો નવી જંત્રી પ્રમાણે એક પણ દસ્તાવેજ થયો હોવાનો બિલ્ડરોએ દાવો કર્યો હતો. જોકે હકીકતમાં કાલના દિવસે 22 સબરજિસ્ટ્રાર કચેરીમાં 1002 દસ્તાવેજ અને મોર્ગેજ ડીડ પેટે સરકારને 7 કરોડ આવક થઈ હતી. સામાન્ય દિવસોમાં સરકારને રોજની સરેરાશ 15થી 17 કરોડ આવક થતી હોય છે.