ટોળાએ મોબાઇલ તોડી નાખી એક્ટિવાની ચાવી સાથે લઇ ગયા
અંધશ્રધ્ધા સામે લડત ચલાવતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા ચંદ્ર ગ્રહણ નિમિતે નવલનગર નજીક કૃષ્ણનગર ખાતેની અમૃત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સમજ આપી રહ્યા હતા ત્યારે તેમના પર ૨૦થી વધુ શખ્સો ઘસી આવ્યા હતા અને ઢીકાપાટુ મારી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જયંત પંડયા તાજેતરમાં જ કર્મકાંડને ધતિંગ હોવાનો આક્ષેપ કરતા સમગ્ર સૌરાષ્ટ્રના ભૂદેવો રોષે ભરાયા હતા અને ઠેર ઠેર રજુઆત અને દેખાવ કર્યા હોવાથી ભૂદેવોએ તેમના પર હુમલો કર્યાની શંકા વ્યક્ત થઇ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા જીવનનગર શેરી નંબર ૧માં રહેતા અને અંધશ્રધ્ધા સામે જાગૃતિ લાવવા વિજ્ઞાન જાથાના નામે કાર્યકરતા જયંતભાઇ ભાનુભાઇ પંડયા નવલનગર શેરી નંબર ૩માં આવેલી અમૃત વિદ્યાલય ખાતે હતા ત્યારે ૧૫ થી ૨૦ જેટલા શખ્સોએ મારી નાખવાની ધમકી દઇ ઢીકાપાટુ માર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગઇકાલે ચંદ્ર ગ્રહણ હોવાથી ગ્રહણ અંગેની કેટલીક ખોટી માન્યતા સામે જાગૃતિ લાવવા માટે અમૃત વિદ્યાલયમાં જયંત પંડયા દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગે જંયતભાઇ પંડયા સ્કૂલમાં નીચે આવ્યા ત્યારે તેઓ પર અજાણ્યા શખ્સો તૂટી પડયા હતા. ઝપાઝપી દરમિયાન તેમનો મોબાઇલ તૂટી ગયો હતો. જંયતભાઇ પંડયા પર હુમલો થતા જોઇ ભાનુબેન ગોહિલ નામની મહિલાએ બુમો પાડતા હુમલાખોરો એક્ટિવાની ચાવી લઇ ભાગી ગયા હતા. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા જંયતભાઇ પંડયાએ પોતાના પર ભૂદેવોએ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
તાજેતરમાં જ જામનગરના કર્મકાંડી બ્રાહ્મણ અંગે ધતિંગ કરાતુ હોવાના જંયત પંડયાએ આક્ષેપ કરતા સમગ્ર સૌરાષ્ટ્રના કર્મકાંડી બ્રાહ્મણો રોષે ભરાયા હતા. રાજકોટમાં પણ બ્રાહ્મણોએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત અને જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેને આવેદન પત્ર પઠવી રજૂઆત કરી હતી તેમજ જંયત પંડયાના નિવાસ સ્થાને ટોળુ ઘસી ગયું હતું. જંયત પંડયા અને બ્રાહ્મણો વચ્ચે થયેલા વિવાદનો નિવેડો આવ્યો ન હોવાથી બ્રાહ્મણોએ હુમલો કર્યો હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.