જીલ્લાની હાલની પરિસ્થિતિને જોઈ નિર્ણય લેવાયો: ચાલુ વર્ષે મેળો નહી યોજાય
ઝાલાવાડ ધર્મ અને પરંપરા માટે જાણિતો મલક છે. દરેક તહેવારોની ઉમંગભેર ઉજવણી કરતા મલકમાં વર્તમાન સમયે બે જ્ઞાતિ વચ્ચે ખેલાયેલી ખૂનની હોળીથી અશાંતિનો માહોલ સર્જાયો છે. ગમે ત્યારે અથડામણ થાય તેવી સ્થિતિ છે. આથી જિલ્લામાં શાંતી જળવાઇ રહે અને વેરની આગ વધુ ભડકે તે માટે જન્માષ્ટમીના સમયે જિલ્લામાં યોજાતા લોકમેળા બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવમાં દેવદર્શનની સાથે મેળામાં મહાલવાની લાખો લોકો મોજ માણે છે. જેમાં ખાસ કરીને વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા મેળાના મેદાન ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ધ્રાંગધ્રા નદીના પટમાં યોજાતા મેળામાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે.
જિલ્લાના ત્રણ મોટા મેળાની સાથે તાલુકા કક્ષાએ પણ નાના નાના મેળા યોજાતા હોય છે. વખતે જિલ્લામાં જૂથ અથડામણોના બનાવો વિશેષ બન્યા છે. તેમાં પણ ખાસ કરીને ધ્રાંગધ્રા અને થાન પંથકમાં બે જ્ઞાતિ વચ્ચેની અથડામણ બાદ મહા મહેનતે અત્યારે શાંતિનો માહોલ છે. મેળામાં સામાન્ય તકરારના બનાવો તો બનતા હતા. પરંતુ વખતે પરિસ્થિતિ થોડી ગંભીર છે. જો મેળામાં અથડામણ થાય તો જૂથવાદ વકરવાની સાથે ભીડને લીધે નિર્દોષ લોકો પણ ભોગ બની શકે છે. આથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વર્ષે જન્માષ્ટમી પર્વ પર યોજાતા લોકમેળા નહી યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જયારે આ અંગે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું કે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પરિસ્થિતિ તંગ છે. ત્યારે મેળાઓને પરમીશન આપવામાં આવે તો અથડામણ થવાની શકયતાઓ રહેલી છે તેવો પોલીસનો રીપોર્ટ છે. આથી જન્માષ્ટમી પર્વ પર યોજાતા લોકમેળાઓને પરવાનગી નહી આપવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લામાં યોજાતા લોકમેળાઓમાં અગાઉ અથડામણો થઇ ચૂકી છે. મેળાઓમાં બધી જ્ઞાતિના લોકો આવતા હોય છે. અત્યારે પરિસ્થિતિ તંગ છે. ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાય તથા જિલ્લામાં શાંતી રહે તે માટે નિર્ણય લેવાયો છે. ધાર્મિક લાગણી નહી દુભાવાય તેમ ડીએસપી દિપકકુમાર મેઘાણીએ જણાવ્યું હતું જિલ્લામાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારોમાં યોજાતા લોકમેળાઓમાં ચકડોળ, ખાણીપીણી, ખરીદી સહિતની મોજ મજા માણવા માટે લખલૂટ ખર્ચ કરે છે. અંદાજ મુજબ જન્માષ્ટમીના તહેવારના મેળામાં ૧૨ કરોડ રૂપિયા લોકો વાપરે છે. જો મેળા બંધ રહેશે તો રકમનું ટર્ન ઓવર અટકી જશે.