સશસ્ત્ર અથડામણમાં બંને પક્ષે સામસામી ફરિયાદ: ઈજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા બાદ બંને જુથનાં લોકોનાં ટોળા ઉમટી પડયા: પોલીસે મોડી રાત્રીનાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો
રાજકોટનાં સંવેદનશીલ ગણાતાં જંગલેશ્વર વિસ્તારમાં નજીવી બાબતે છમકલું થતાં હિન્દુ-મુસ્લિમનાં તહેવારો પૂર્વે કોમી તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને બે જુથ મોડીરાત્રીનાં સામ-સામે આવી જતાં સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. બંને પક્ષે ૪ વ્યકિતઓને નાની-મોટી ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવનાં પગલે મોડીરાત્રીનાં બંને જુથનાં લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં એકઠા થઈ જતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસને મોડીરાત્રીનાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વર મેઈન રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.૭માં રહેતા ઘોઘાભાઈ નાગદાનભાઈ બકુત્રા (ઉ.વ.૪૫) નામનાં પ્રૌઢે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ખોડિયાર મંદિર પાસે હતા ત્યારે તેનાં નાના ભાઈ ધીરૂભાઈ નાગદાનભાઈ બકુત્રા તથા સંજય ભીખુભાઈ ચાવડા ખોડિયાર મંદિર પાસે બેઠા હતા ત્યારે જંગલેશ્વરમાં આવેલ અંકુર સોસાયટી મેઈન રોડ પર રહેતાં કાળુ ઠેબા તેનો પુત્ર હબીબ ઠેબા તથા નાસીર ઠેબા અને મોહીલ ઉર્ફે ભાણો દાઉદ તથા રફીક ઉર્ફે મામો તથા મોહિત શાહ તથા રજાક કુરેશી તેમજ મયુર પરમાર સહિતનાં લોકો ઘાતક હથિયારો સાથે હુમલો કરી હબીબ ઠેબા તલવારથી અને કાળુએ પાઈપથી નજીવી બાબતે ઝઘડો કરી ધીરૂભાઈને મારમારતાં અને ઘોઘાભાઈને પેટનાં ભાગે તલવારનો ઘા મારી ઈજા કરી હતી તથા સંજયને લોખંડનાં પાઈપ વડે મારમારી માથામાં ઈજા કરી હતી. તે દરમિયાન અન્ય લોકોનું ટોળુ ભેગું થઈ જતાં હુમલાખોરો નાસી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં ઘોઘાભાઈ, ધીરૂભાઈ અને સંજયને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામાપક્ષે જંગલેશ્ર્વર મેઈન રોડ પર અંકુર સોસાયટીમાં રહેતા હબીબ અલીભાઈ ઉર્ફે કાળુભાઈ ઠેબા (ઉ.વ.૪૦)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પોતે રાત્રીનાં ૧૧:૩૦ વાગ્યે ઘરે હતા ત્યારે તેના નાના ભાઈ નાસીરનો ફોન આવ્યો હતો કે, જંગલેશ્ર્વર મેઈન રોડ પર ખોડિયાર મંદિર પાસે ઝઘડો થયો છે તેથી તે તાત્કાલિક રાધાકૃષ્ણનગરમાં આવેલ ખોડિયાર મંદિર પાસે દોડી ગયા હતા ત્યાં બાબુ મહેતા, પ્રકાશ ઉર્ફે પકો આહિર, રણજીત ચાવડા, તુષાર મહેતા, રવિ લાવડીયા, વિપુલ બકુત્રા તથા બીજા અજાણ્યા શખ્સો સહિતનાઓએ તેનાં નાના ભાઈ નાસીર સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેથી સમજાવવા જતાં રણજીત ચાવડા સહિતનાં ઉપરોકત શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી મારમારી ઈજા કરી હતી તથા પડોશમાં રહેતા દિલાવર નુરમહમદ મકરાણીને રણજીતે તલવાર વડે હુમલો કરી તથા હબીબભાઈને મારમારી ઈજા કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરનાં સંવેદનશીલ ગણાતા જંગલેશ્ર્વર વિસ્તારમાં મોડીરાત્રીનાં નજીવી બાબતે છમકલું થતા અને બંને જુથ સામ-સામે આવી જતાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો અને મોડીરાત્રીનાં ભકિતનગર પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવી, હેડ કોન્સ્ટેબલ આર.વી.ગડાધરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસથળે દોડી જઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. તહેવારો પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં કોમી છમકલું થતા અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસનાં ઉચ્ચ્ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય જેથી બંને કોમનાં લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે મોડીરાત્રીનાં દોડી જતાં સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાય હતી અને વાહનોનાં થપ્પા લાગી ગયા હતા. બંને પક્ષે તણાવભર્યું વાતાવરણ સર્જાર્યું હોય જેથી પોલીસને સિવિલ હોસ્પિટલમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.