કોઠારિયા રોડ પરના વિસ્તારમાં ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓએ ફલેગ માર્ચ યોજી: લતાવાસીઓને કોરોનાની ગંભીરતા સમજાવી: ઘરમાં જ રહેવા તાકીદ કરાઇ
કોરોના વાયરસનો ચેપ આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લોક ડાઉનનો કડક રીતે અમલ કરાવવા પોલીસ તંત્રને અપાયેલી સુચનાના પગલે રાજકોટમાં સૌથી વધુ કોરોના પોઝિટીવના દર્દીઓ મળી આવ્યા છે ત્યાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ કર્યુ હતું. તેમજ દુકાનો બંધ રાખવા અને તમામને ઘરમાં જ રહેવા તાકીદ કરવામાં આવી હતી. રાજકોટમાં કોરોના પોઝિટીવના ૧૮ કેસ મળી આવ્યા છે તે પૈકી નવ દર્દી માત્ર જંગલેશ્ર્વર વિસ્તારના જ હોવાથી જંગલેશ્ર્વર વિસ્તારમાંથી કોરોના આગળ પસરે તેમ હોવાથી પોલીસ અને કોર્પોરેશન દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરી છે.
જંગલેશ્ર્વર વિસ્તારના બે મહિલા સહિત સાત વ્યક્તિઓને ગઇકાલે કોરોના પોઝિટીવ આવતા કોર્પોરેશન તંત્ર દ્વારા ડોર ટુ ડોર ચેકીંગ શરૂ કર્યુ છે. જ્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ કોઠારિયા રોડ પરના વિસ્તારમાં ફલેગ માર્ચ યોજવામાં આવી હતી.
કોઠારિયા રોડ પરના જંગલેશ્ર્વર ઉપરાંત વિવેકાનંદનગર, ઘનશ્યામનગર, ગોકુલનગર, એકતા સોસાયટી, પટેલ કોલોની, ભવાની ચોક, સાગર ચોક શિયાણીનગર અને સ્લમ કવાર્ટરમાં ફલેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. ફલેગ માર્ચમાં ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની સાથે પૂર્વ વિભાગના એસીપી એચ.એલ.રાઠોડ અને ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. જંગલેશ્ર્વર વિસ્તારમાં લોક ડાઉનનો ભંગ કરી ખુલ્લી રહેલી કેટલીક દુકાનદારોને લોક ડાઉનમાં સહયોગ આપવા સમજાવી કાયદાકીય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફને જોઇ ગેર કાયદે ખુલ્લી રહેલી દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. તેમ છતાં પોલીસ સ્ટાફે તમામને ચેતવણી આપી હતી તેમજ તમામને સુરક્ષિત રહેવા માટે ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી મસ્જીદોના મૌલવીઓને પોલીસ સ્ટાફે મળી તમામને ઘરમાં જ રહેવા થોડી થોડી વારે જાહેરાત કરવા અનુરોધ કર્યો હતો. જંગલેશ્ર્વર વિસ્તારમાં જીવન જરૂરીયાતની ચિજ વસ્તુની હોમ ડીલીવરી થાય તેવી પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જંગલેશ્ર્વર વિસ્તારમાં લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા કેટલાક છેલબટાઉને પોલીસે કાયદાનું ભાન કરાવી ઘર ભેગા કર્યા હતા. કેટલાક શખ્સો સામે જાહેરનામા ભંગ અંગેના કેસ કર્યા હતા. પોલીસનો મોટો કાફલો એકાએક જંગલેશ્ર્વર વિસ્તારમાં ફલેગ માર્ચ માટે આવી જતા નાસભાગ મચી ગઇ હતી.
જંગલેશ્ર્વર વિસ્તારમાં ગેર કાયદે દુકાન ખુલ્લી રાખી હશે તેવા શખ્સો પોલીસના ધ્યાને આવશે તેઓના આખા પરિવારને ૧૪ દિવસ માટે હોસ્પિટલમાં કવોરન્ટાઇન કરવાની પણ તાકીદ કરી હતી. કોરોના પોઝિટીવ કેસ એક સાથે મોટી સંખ્યામાં જંગલેશ્ર્વરમાં નોંધાતા જંગલેશ્ર્વરની કેટલીક શેરીઓ સીલ કરી દીધી હતી અને તમામ પ્રકારના વાહન વ્યવહારની અવર જવર બંધ કરાવી દીધી છે. તેમજ તમામ પ્રકારની દુકાનો પણ બંધ કરાવી દીધી છે.
તંત્રની કાર્યવાહીમાં સહયોગ આપવા લોકોને અપીલ કરતા મેયર બિનાબેન આચાર્ય
વર્તમાન સમયમાં વિશ્વભરમાં કોવીડ-૧૯ વાયરસના કારણે મહામારી ફેલાઈ છે. ત્યારે આજરોજ તા. ૧૦-૦૪-૨૦૨૦ના રોજ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ સામે આવેલ છે. કોરોના વાઈરસ વધુ ફેલાઈ નહિ તે માટે સરકારે સમગ્ર દેશને લોકડાઉન કરેલ છે. આ સાથે તમામ નાગરિકોને સહકાર આપવા અને જો કોઈ દર્દીને કોરોના લક્ષણો દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા મેયર બિનાબેન આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ અંગે મેયરે કહેલું કે, તંત્ર દ્વારા સઘન કામગીરી કરાવવામાં આવી રહી છે. શહેરમા જ્યારે કોરોના પોઝીટીવ કેસ સામે આવે ત્યારે જે કોઈ વ્યક્તિ આ દર્દીના સંપર્કમાં આવેલ હોય તેઓએ સામે ચાલીને તંત્રને જાણ કરવી જોઈએ. જેથી કરીને કોરોના વાઈરસ વધુ ન પ્રસરે. હાલ લોકડાઉનની સ્થિતિમાં લોકો કાયદો અને નિયમોનું પાલન કરી તંત્રના પ્રયાદોમાં મદદરૂપ થાય તેવી મારી સૌને હાર્દિક અપીલ છે.