ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાવાની છે.આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રોમાંચક ભવ્ય મેચના સાક્ષી બનવા માટે પીએમ મોદી પણ અમદાવાદ જશે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લ્સને પણ વર્લ્ડ કપ ફાઈનલની મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા અમદાવાદમાં આવવાના છે, ત્યારે આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. વડાપ્રધાન 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ રમાશે જંગ 

આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં મહામુકાબલો થશે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.

શમીની દમદાર બોલીંગ

આ અગાઉ પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હાર આપી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. ભારતે 50 ઓવરમાં 397 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ખતરનાક બોલર મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપી 7 વિકેટ ઝડપી હતી. તો ગઈકાલે રમાયેલી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.