૯૦ ટકા ટિકિટ યુવા વર્ગને અપાશે: જનસંઘ પાર્ટીના રાષ્ટ્રીય અ્ધ્યક્ષ જયેન્દ્રસિંહે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપી વિસ્તૃત માહિતી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબુકી ચૂકયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ઉમેદવારોના નામ ફાઈનલ કરવાની મથામણમાં પડયા છે ત્યારે આજે રાજકોટની મુલાકાતે આવેલા જનસંઘ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયેન્દ્રસિંહે અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન એવી ઘોષણા કરી હતી કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જનસંઘ પાર્ટી પ્લોટ પુરા જોશ અને ઉત્સાહ સાથે ઝંપલાવશે. પક્ષનો મુખ્ય એજન્ડા યુવા વર્ગ રહેશે અને ૯૦ ટકા ટિકિટો યુવાનોને આપવામાં આવશે. ઉમેદવારોના નામની પ્રથમ યાદીની ઘોષણા આગામી ત્રણ-ચાર દિવસમાં કરી દેવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનસંઘની સ્થાપના ૧૯૫૧માં કરવામાં આવી હતી ત્યારબાદ તેનું ભાજપમાં વિલીનીકરણ થતા પક્ષનો મુખ્ય ઉદેશ મુરજાઈ ગયો છે માટે જનસંઘ પાર્ટીની રચના કરવામાં આવી છે. જે છેલ્લા નવ વર્ષથી સક્રિયપણે કામ કરી રહી છે. ગુજરાતની જનતાને ત્રીજો વિકલ્પ આપવા માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘ પાર્ટી તમામ ૧૮૨ બેઠકો પરથી ચૂંટણી લડવાનું નકકી કરી રહી છે. છેલ્લા બે દિવસની મારી ગુજરાતની યાત્રા દરમિયાન મેં રાજકોટ શહેરની ચાર બેઠક, સુરત, નડીયાદ, બરોડા, અમરેલી, લીંબડી સહિતની બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધા છે. ટુંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. સાફ ચરિત્ર અને સ્વચ્છ કામ સહિતના ૧૪ પોઈન્ટના એજન્ડા સાથે પાર્ટી કામ કરશે.તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ જ મોટો ફાયદો થાય તેવી સંભાવના જણાઈ રહી છે. નોટબંધી, જીએસટી અને અનામતના મુદા ભાજપ માટે નુકસાનકારક સાબિત થશે. હિન્દુત્વની ભાવના ગુજરાતના લોકો ખૂબ જ સારી રીતે સમજે છે પરંતુ મને અફસોસ છે કે હું આ રાજયમાં ખૂબ જ મોડો આવ્યો. હવે સંપૂર્ણ ધ્યાન ગુજરાત પર ફોકસ કરવામાં આવશે.જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જયેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ વિકાસ સિવાયના ઘણા મુદાઓ અસર કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોઈ ઉલ્લેખનીય કામગીરી કરી નથી. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપને મોદી ફેકટરનો લાભ મળતો હતો પરંતુ આગામી ચૂંટણીમાં આ ફેકટર નથી જે પક્ષ માટે મોટું નુકસાનકારક સાબિત થશે. આવતીકાલે જનસંઘ પાર્ટી પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે બેઠક યોજશે. બે દિવસમાં શકય તેટલી બેઠકોના નામો જાહેર કરી દેવામાં આવશે. પક્ષ દ્વારા ૨૪ કે ૨૫ નવેમ્બર સુધીમાં ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરી દેવાશે.