- 19 એપ્રિલએ સક્રસ્તવ મહાભિષેક, વસ્ત્રરંગ વધામણા તેમજ 20 એપ્રીલ વરસીદાન યાત્રા 21 એપ્રિલ જાગૃત ચેતન જયોતના પધરામણા તેમજ પ્રવ્રજયા પર્વ
રાજકોટની રંગીલી જનતાને ધર્મ રંગે રંગનારા અનેક ચાતુર્માસ કરનાર પુજય આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્ર્વરજી મહારાજની પાવન નિશ્રામાં માતા વૈશાલીબેન અને મનીષભાઈના પુત્ર મુમુક્ષ જીમીતકુમાર 21 વર્ષની યુવાવયે સમસ્ત ભૌતિક સુખસાધનોનો ત્યાગ કરી પ્રવ્રજયા પંથે પ્રયાણ કરી રહ્યા છે. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકના મંગલદિને તા.21 એપ્રિલના શ્રીપ્લોટ શ્ર્વે.મૂ. જૈન તપગચ્છ સંઘના અન્વયે મંગલ પ્રસંગે ઉજવાશે. આ નિમિતે પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરીશ્ર્વરજી મહારાજની મંગલ પધરામણી થઈ ચૂકી છે.
પ્રવજયા નિમિતે 19 એપ્રીલના સવારે 9 થી 11 સક્રસ્તવ મહાભિષેક 3 થી 5 વસ્ત્રરંગ વધામણા સાંજી તેમજ ચોવિહાર ભકિત તેમજ રાત્રે 8 જાગરણના વધામણા જેવા સંગીતના સથવારે અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.20 એપ્રીલ સવારે 9 કલાકે ભવ્ય વચનદાન યાત્રા તેમજ 11 વરસીદાન તેમજ સર્વસંગ પરિત્યાગનો આરંભ ત્યારબાદ પધારેલ સર્વની સાધાર્મિક ભકિત અને રાત્રે 8 કલાકે ઉજજાગર દશાભણી પ્રસ્થાન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમજ 21 એપ્રીલ સવારે 5 કલાકે જાગૃત ચેતન જયોતના પધરામણા પ્રવજયાપર્વ કાર્યક્રમ યોજાશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે મુમુક્ષ જીમીત તેમજ તેના પિતા મનીષભાઈ અને પરીનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આત્મા સાથેનો મિલન એટલે સંયમ માર્ગ: મુમુક્ષ જીમીત
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા મુુમુક્ષ જીમીત એ જણાવ્યું હતુ કે તેમને પાંચ વર્ષ પહેલા તેમના મિત્રએ દિક્ષા લીધી ત્યારથી જ તેમને પણ દીક્ષા લેવાનો વિચાર આવ્યો હતો. તેમણે કહ્યું કે બધા એવું કહે કે સંયમનો માર્ગ અઘરો છે પરંતુ સંયમનો માર્ગ એટલે આત્મા સાથેનો મિલન અને જયારે આત્મા સાથેનો મિલન ત્યારે પ્રભુ આપણી સાથે હોય જયા પ્રભુ સાથે હોય ત્યાં કઈ તકલીફના જ પડે અને માર્ગ સરળ બનતો જાય છે.
મોહવશમાં અમે ઘણી પરીક્ષા કરી: મુમુક્ષના પિતા મનીષભાઈ
અબતક સાથે વાતચીતમાં મુમુક્ષનાં પિતા મનીષભાઈ જણાવ્યું હતુ કે, જયારે પાંચ વર્ષથી જીમીતએ દિક્ષા લેવા માટે રજૂઆત કરેલી પરંતુ એક માતા-પિતાની પોતાના સંતાન પ્રત્યને અનહદ લાગણી પ્રેમથી અમો લોકો એ ના પાડેલી પરંતુ તેમને પ્રભુ પ્રત્યેની લાગણી અને ભકિત જોઈ મોહવશ અમે તો ઘણી પરીક્ષા કરી પરંતુ આતો એક જાગી ઉઠેલો ચેતન દીપ હતો અમો લોકો દિક્ષા માટે તૈયાર થયા હું તો દરેક માતા-પિતાને અપીલ કરૂ છું કે જો કોઈ સંતાન દીક્ષા લેવા માટે તૈયાર થતુ હોય તો તેમની ઈચ્છાને સહમતી આપવી દીક્ષા લઈને તે આ ભવની તો ખરી જ પરંતુ ભવોભવના બંધનમાંથી મુકિત મેળવશે.