રવિવારથી એકયુપેશનલ સારવાર કેન્દ્ર શરૂ: નૈસર્ગિક ઉપચારક નટુભાઇ ફિચરીયા સેવા આપશે: સંસ્થા સભ્યોએ લીધી ‘અબતક’ની મુલાકાત
જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે અવિરત પ્રયત્નો થઇ રહ્યા છે. જેથી વધુમાં વધુ લોકોને ઉપયોગી બની શકાય છે. અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની જાગૃતિ માટે ટ્રસ્ટ દ્વારા રાજકોટના વિવિધ સ્મશાન ગૃહોમાં સાત દિવસ સુધી ઝુંબેશ ચલાવીને એક અનોખો પ્રયોગ કરવામાં આવેલ, જેમાં બધાના સહકારથી સફળતા પ્રાપ્ત થયેલ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 3ર1 ચક્ષુદાન, 6 સ્કીન ડોનેશન તથા 33 દેહદાન થયેલ છે. તેમજ કોરોના પછીના સમયમાં રકતની અછત સર્જાતા આ ટ્રસ્ટ દ્વારા રર-ર3 ના વર્ષમાં 1111 બોટલ પણ દર્દીઓને પુરુ પાડયું હતું.
હવે, જનકલ્યાણ ટ્રસ્ટ એકયુપેશનલ સારવાર કેન્દ્ર શરુ કરવા જઇ રહ્યું છે. વૃઘ્ધા, અનાથ, વિકલાંગ, માનવ કલ્યાણની સેવાની ભાવનાના હેતુથી વા, સંધિવા, કમર દર્દ, ઘુંટણ દર્દ, સાઇટીકા, લકવા, પોલીયો, બાળ દર્દો, ડોક જકડાઇ જવી, હાથ જકડાઇ જવો વગેરે જેવા દર્દોથી છુટકારો મેળવવા માટે શરુ થનાર આ કેન્દ્રમાં રાજકોટમાં ખુબ જ જાણીતા સેવાભાવી નૈસર્ગિક ઉપચારક એવા નટુભાઇ ફીચડીયા સેવા આપનાર છે. નટુભાઇ બોલબાલા ટ્રસ્ટના સહયોગથી રાજકોટ પથિકાશ્રમ, ગોંડલ, જુનાગઢ વગેરે સ્થળોએ પોતાની નિ:સ્વાર્થ સેવા આપી ચુકયા છે. આકાશવાણીમાં પણ તેઓ વાર્તાલાપ આપે છે. લોકો નિરોગી, લાંબુ આયુષ્ય, સુખપૂર્ણ રીતે વિતાવી શકે તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. હવેથી તેમને સેવાનો લાભ જનકલ્યાણ ટ્રસ્ટના કાર્યાલયમાં 10, કાંતિપ્રકાશ ઢેબર રોડ ખાતે તા. ર3 એપ્રિલ અખાત્રીજથી સોમ થી શનિ સવારે 10 થી 1 ઉપલબ્ધ રહેશે.
કાર્યક્રમ અંગે વિગત આપવા ‘અબતક’ મીડીયા હાઉસની ચેરમેન ઉમેશ મહેતા, કાર્યાલય મંત્રી પ્રદિપભાઇ પંડયા, નટુભાઇ ફિચડીયા, કિશોરભાઇ દવે, જનાર્દનભાઇ આચાર્ય:, રમેશભાઇ ગોહેલ અને વિનોદરાય પરમારે મુલાકાત લીધી હતી.