‘વંદે માતરમ્’ સ્વતંત્રતા ચળવળની અભિવ્યક્તિ: કોઈ પણ ભારતીય રાષ્ટ્રગીત ગાવાની ના પાડી શકે નહીં
રાષ્ટ્ર ગાન જન ગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમને સમાન દરજ્જો છે અને નાગરિકોએ બંનેને સમાન સન્માન આપવું જોઈએ. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલનો જવાબ આપતાં આ વાત કહી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે વંદે માતરમને પણ તે જ દરજ્જો અને સન્માન આપવામાં આવે જે રાષ્ટ્રગીતને આપવામાં આવે છે.આ ઉપરાંત રાષ્ટ્રગીતના સન્માન અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. તેના પર હાઈકોર્ટે ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. આ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવે કે દરેક કામકાજના દિવસે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જન ગણ મન અને વંદે માતરમ ગાવામાં આવે. આ સિવાય 24 જાન્યુઆરી,1950 ના રોજ બંધારણ સભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર, બંનેના સન્માન માટે માર્ગદર્શિકા નક્કી કરવી જોઈએ. અરજદાર અશ્વિની કુમાર ઉપાધ્યાયે કહ્યું કે ભારત રાજ્યોનો સંઘ છે. આ ફેડરેશન નથી. તેમણે કહ્યું કે અમારી પાસે એક જ રાષ્ટ્રીયતા છે અને તે છે ભારતીયતા. વંદે માતરમનું સન્માન કરવું એ આપણા બધાની જવાબદારી છે.
તેમણે કહ્યું કે દેશને એક રાખવા માટે સરકારની જવાબદારી છે કે રાષ્ટ્રીય નીતિ બનાવવી જેથી જન ગણ મન અને વંદે માતરમનું સન્માન થઈ શકે. અરજદારે કહ્યું કે વંદે માતરમ કઈ રીતે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે તે અગમ્ય છે, જ્યારે બંનેની પસંદગી બંધારણના ઘડવૈયાઓએ કરી છે. તેમણે કહ્યું કે જન ગણ મનમાં રાષ્ટ્રની ભાવના સામે આવે છે. તે જ સમયે, વંદે માતરમ એ રાષ્ટ્રના ચરિત્ર, તેની જીવનશૈલીની અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે દરેક ભારતીય વંદે માતરમનું સન્માન કરે તે જરૂરી છે. એવું ન થઈ શકે કે કોઈ વંદે માતરમ ગાવાની ના પાડે.
અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યું, ’વંદે માતરમ સમગ્ર દેશનો વિચાર હતો. આ સ્વતંત્રતા ચળવળની અભિવ્યક્તિ હતી. શહેર-શહેરની રેલીઓમાં વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. એક સમયે વંદે માતરમના જય ઘોષથી ડરીને અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, ક્રાંતિકારીઓને તેનું ઉલ્લંઘન કરવા બદલ જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ’રવીન્દ્રનાથ ટાગોરે 1896માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમ ગાયું હતું. આ પછી 1901માં કોંગ્રેસના અધિવેશનમાં દક્ષિણ ચરણ સેને પણ વંદે માતરમ ગાયું હતું. એટલું જ નહીં, 1905 માં બનારસમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ફરી એકવાર સરલા દેવીએ વંદે માતરમ ગાયું હતું. લાલા લજપત રાયે લાહોરથી આ જ નામનું અખબાર બહાર પાડ્યું હતું.