લોકોના પ્રશ્ર્નો સાંભળવા બાપુના દરવાજા હંમેશા ખુલ્લા જ રહેશે: બાપુએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધી
આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તા.૨૧ થી ગુજરાત ભ્રમણ કર્યું છે. તા.૩ ઓકટોબર સુધી તેઓ રાજકોટના મુખ્ય સ્થળો ધમરોળીને તેઓની પાર્ટી જન વિકલ્પનો પ્રચાર કરશે. જે અંતર્ગત આજે તેઓ રાજકોટ પધાર્યા હતા અને પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે લોકો માટે બાપુના દરવાજા ખુલ્લા રહ્યા જ છે અને ભવિષ્યમાં પણ રહેશે.વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હવે ન કોંગ્રેસ, ન ભાજપ, પ્રજાને ત્રીજા વિકલ્પની આવશ્યકતા છે. લોકોએ જે સરકાર બનાવી છે તેજ સરકાર સામે વિરોધ નોંધાવવાની ફરજ પ્રજાને પડી છે. ફિકસ પગારદારો, મધ્યાહન ભોજનનાં કર્મચારીઓ, આશા વર્કર સહિતના શોષીત કર્મચારીઓન હાથ પકડવા વાળુ કોઈ નથી. પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. શાસક પક્ષ જાહેરાતો પાછળ કરોડોના ખર્ચાઓ કરે છે. તે ખર્ચાઓ કરવાને બદલે ટેક્ષ ઘટાડે તો પ્રજાને રાહત થાય. પ્રજાને સાંભળવાવાળા કોઈ નથી.સૌરાષ્ટ્ર-કચ્છને અન્યાયનો અહેસાસ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છને અલગ પ્રાધાન્ય મળવું જોઈએ અલગ રીજીનલ સેક્રેટરી મળવા જોઈએ. ગુજરાતમાં ફોર ટ્રેક રોડનો ક્ધસેપ્ટ લાવનારા બાપુ હતા. સમયાંતરે કેબિનેટ રાજકોટમાં મળવી જોઈએ. જેમાં સૌરાષ્ટ્રના કામો વિશે ચર્ચા કરવી જોઈએ. લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને અજમાવી જોયું પરંતુ હવે જન વિકલ્પએ ત્રીજો વિકલ્પ છે. પ્રજાના ભરોસે મે જન વિકલ્પનું સાહસ કર્યું છે. વિધાનસભાની તમામ બેઠકો માટે જન વિકલ્પ પાર્ટીના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. જે ઉમેદવારને પ્રજા ઈચ્છતી હોય તેજ ઉમેદવારોને ટીકીટ આપી રહ્યા છીએ.