મંત્રીઓ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે છે એવો અહેસાસ કરાવવા
કેન્દ્રીય મંત્રી મંડળના નવનિયૂકત 43 મંત્રીઓને પોતાના રાજય અને વિસ્તારોમાં જઈ મંત્રીઓ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે છે તેઓ પ્રજાને અહેસાસ કરાવવા તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતીગાર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આદેશ આપ્યો જે અંતર્ગત આગામી 15મી 21 ઓગષ્ટ દરમિયાન ગૂજરાતનાં પાંચ સાંસદો જે કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યો છે. તેઓની દ્વારા જન આશિર્વાદ યાત્રા યોજાશે. આ માટે પ્રદેશ ભાજપ દ્વારા પ્રભારીઓ સહ પ્રભારીઓ તથા યાત્રા દરમિયાન મંત્રીઓની સતત સાથે રહેનાર ભાજપના આગેવાનોના નામોની જાહેરાત કરી છે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પુરૂષોતમભાઈ રૂપાલા, રાજયકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્ર મુંજપરા 15 થી 21 ઓગષ્ટ દરમિયાન રાજયમાં જૂદા જૂદા શહેરોમાં જઈ જનતાના આશિર્વાદ લેશે
નીતિનભાઈ ભારદ્વાજ, ઉદય કાનગડ, અને પ્રશાંત કોરાટને જન આશિર્વાદ યાત્રાના સહપ્રભારી સહિતની જવાબદારી સોંપાઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા 19 થી21 ઓગષ્ટ દરમિયાન રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા યોજશે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા 16,17 અને 19 ઓગષ્ટ બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલીમાં રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ 15 થી 17 ઓગષ્ટ દરમિયાન આણંદ, વડોદરા, વલસાડ, નવસારી અને સુરતમાં કેન્દ્રીય રાજય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા 16 થી 18 ઓગષ્ટ દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં જયારે આઈટી મંત્રી દેવુસિંહ ચૌહાણ 13 થી 18 ઓગષ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અરવલ્લીને ખેડામાં જન આશિર્વાદ યાત્રા યોજાશે.
ગુજરાતના રાજયસભાના અને લોકસભાના સાંસદો દ્વારા આગામી 15 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાનારી જન આશિર્વાદ યાત્રા માટે પ્રદેશ ભાજપ દ્વારા યાત્રા પ્રભારી, સહપ્રભારી અને સમગ્ર યાત્રા દરમિયાન મંત્રીઓની સાથે રહેનાર ભાજપ અગ્રણીઓના નામોની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. મંત્રી દર્શનાબેન જરદોશની જન આશિર્વાદ યાત્રા માટે પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જનકભાઈ પટેલ, સહપ્રભારી તરીકે રણજીતભાઈ ચીમના અને અમિતભાઈ ઠાકરની વરણી કરાય છે. યાત્રા દરમિયાન પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપીકાબેન સરડવા મંત્રીની સાથે રહેશે.
મંત્રી દેવુસિંહ ચૌહાણની યાત્રા માટે પ્રભારી તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા સહ પ્રભારી તરીકે ભરતભાઈ આર્ય અને ગીરીશભાઈ જગાણીયાની નિયુકત કરાઈ છે. યાત્રા દરમિયાન બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી મયંકભાઈ નાયક મંત્રીની સાથે રહેશે. મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની યાત્રા માટે પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડીયાની વરણી કરાય છે.
જયારે સહ પ્રભારી તરીકે રાજકોટના નીતિનભાઈ ભારદ્વાજ અને પ્રકાશભાઈ સોની જયારે યાત્રા દરમિયાન અનુસુચિત જાતી મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રદ્યુમન વાજા મંત્રીની સાથે રહેશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની જન આશિર્વાદ યાત્રાના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા સહ પ્રભારી તરીકે નંદાજી ઠાકોર અને પંક્જભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે.
કિશાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ મંત્રીની સાથે રહેશે જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની યાત્રાના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ સરવૈયા સહ પ્રભારી તરીકે ઝવેરીભાઈ ઠકરાર અને મહેશભાઈ કસવાલાની વરણી કરવામાં આવી છે.પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરટ તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ મંત્રીની સતત સાથે રહેશે. જન આશિર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર કરશે.