ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે: રાજકોટ જીલ્લા અધ્યક્ષ ખાચરીયા, મહામંત્રી ચાવડા, રામાણી અને ચાંગેલા ભવ્ય સ્વાગત કરશે: ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલાનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “જન આશીર્વાદ યાત્રા” થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટ જીલ્લામાં “જન આશીર્વાદ યાત્રા” તા.19મીએ ગુરૂવારે બપોરે 12.00 કલાકે ગોંડલ ચોકડીએ પહોચશે. આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભુ ઉમટશે.
આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત શાપર-વેરાવળના ઉદ્યોગપતીઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ભાવ્યાતિભવ્ય સ્વાગત કરશે.આ સમયે યુવા મોરચાના 151 કાર્યકર્તાઓ બાઈક રેલી કરશે તેમજ ડીજે, ઢોલ, આતશબાજી, પુષ્પની પાંખડીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું સૌરાષ્ટ્રની મહેમાનગતીને છાજે તેવું અદકેરું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ સમાજના લોકો કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્યાતિભવ્ય અદકેરું સન્માન કરવામાં આવશે. ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા રાખવામાં આવેલ છે. તેમજ તા.19ને બપોરે 1.00 વાગ્યે ખોડલધામ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનસુખભાઈ માંડવીયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યોની માહિતી આપશે તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપશે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો પ્રવાસ કાર્યક્રમ
19 ઓગષ્ટ, ગુરૂવારે, બપોરે 12.00 કલાકે ગોંડલ ચોકડીએ જીલ્લા ભાજપના આગેવાનો તથા સ્થાનિક નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ યાત્રા પ્રસ્થાન કરશે ત્યારબાદ બપોરે12.15 કલાકે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે સ્વાગત તથા સભા, બપોરે 1.00 કલાકે વીરપુર દર્શન, બપોરે 1.30 કલાકે ખોડલધામ ખાતે ચાંદી તુલા, પ્રેસ કોન્ફરન્સ, ધજા ચડાવવી તેમજ ભોજન, બપોરે 3.45 કલાકે જેતપુર ખાતે સભા, લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, સ્વાગત તેમજ સભા, સાંજે 5.00 કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ઉપલેટા ખાતે સ્વાગત તેમજ સભા, સાંજે 6.30 કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ધોરાજી ખાતે સ્વાગત તેમજ સભા કરવામાં આવશે.