હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગમાં બાંધકામ ખડકી પેથોલોજી લેબોરેટરી અને ડિજિટલ એકસ-રે મશીન લગાવી દેવાયા

પાર્કિંગ સમસ્યાથી પીડાતા શહેરમાં કોર્પોરેશનની કામગીરી શંકાસ્પદ: મોટાભાગના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે !!!

જામનગર શહેર મહાનગરપાલિકાની કૃપાદ્રષ્ટિને કારણે સિમેન્ટ કોંક્રિટનું જંગલ બની ચૂક્યું છે. નવાઈની વાત એ છે કે, અધિકારીઓ તો સમજ્યા, શાસકોને પણ શહેરની કોઈ જ ચિંતા નથી ! શહેરમાં મોટાભાગના કોમર્શિયલ કોમ્પલેક્ષની પાર્કિંગ તથા સેલરની વિશાળ જગ્યાઓમાં ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા હોવા છતાં, શહેરનો ટાઉન પ્લાનિંગ વિભાગ નચિંત છે. હજુ પણ આ પ્રકારના ગેરકાયદે બાંધકામો ખડકાઈ રહ્યા છે ! ક્યાંય, કોઈ વિજિલન્સ સિસ્ટમ નથી ! અત્રે પેશ છે આવું વધુ એક ઉદાહરણ.

શહેરમાં સુમેર સ્પોર્ટ્સ કલબ રોડ અને મિગ કોલોનીવાળા તળાવનાં વચ્ચેનાં ભાગમાં એક રોડ પસાર થાય છે. એસટી બસ ડેપો અહીંથી નજીક હોવાને કારણે આ વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. આ લગડી જમીનો પર વગદાર લોકો ગેરકાયદે બાંધકામો ખડકી રહ્યા છે છતાં કોર્પોરેશન ચૂપ ! અને, સતાધીશો તો જાણે કે આ શહેરમાં રહેતાં જ નથી, એટલાં અજાણ્યા બની જાય છે !

ઉપરોક્ત વિસ્તારમાં ગત્ એપ્રિલ મહિનામાં પાંચ માળની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન થયું. અવધ નામની આ હોસ્પિટલનાં ઉદઘાટનમાં રાજકીય હસ્તિઓ અને સંતો પણ ઉપસ્થિત રહેલાં ! સંતોનાં આશિર્વાદ સંતોની જાણ બહાર ગેરકાયદે બાંધકામોને આડકતરી રીતે મળી જતાં હોય છે ! નોંધપાત્ર મુદ્દો એ છે કે, આ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા છોડવામાં જ નથી આવી ! આ પ્રકારના પ્લાન કોર્પોરેશનમાં મંજૂર કેવી રીતે થઇ જતાં હશે ?! જાણકારો તો એમ પણ કહે છે, સૌને પીઠની આગળ એક પેટ હોય છે.

અવધ નામની આ હોસ્પિટલનાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલાં પાર્કિગમાં કાચું પાકું બાંધકામ કરી લેવામાં આવ્યું છે. જે હોસ્પિટલનો જ એક ભાગ છે ! આ તોતિંગ ઇમારતના બેઝમેન્ટમાં પણ બાંધકામ કરી લેવામાં આવ્યું છે. જ્યાં કસરતનો વિભાગ, પેથોલોજી લેબોરેટરી અને ડિજિટલ એક્સ રે મશીન લગાવી દેવામાં આવ્યું છે ! ટૂંકમાં, પાંચ માળની આ તોતિંગ ઇમારતમાં નો પાર્કિંગ.

આ હોસ્પિટલ ધમધમે છે. જેને કારણે સેંકડો લોકોનાં વાહનો, ફોર વ્હીલર અને ટુ વ્હીલર, આજુબાજુનાં રોડ પર ખડકાયેલાં જોવા મળે છે ! અને કોર્પોરેશને હોસ્પિટલ નજીકનો રોડ પણ વેચી નાંખ્યો હોય, તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે ! ડો. મહેશ દૂધાગરા અને ડો. જય કોડિનારીયા આટલું મોટું ગેરકાયદે બાંધકામ છતાં કોર્પોરેશન તરફથી નિશ્ચિંત છે !

અને, આ પ્રકારના ગેરકાયદે બાંધકામો શહેરમાં એકાદ બે વિસ્તારમાં જ છે એવું નથી ! શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં આ પ્રકારના કોમર્શિયલ કોમ્પલેક્ષ છે, જે કાયદાઓ ખિસ્સામાં રાખી રાતદિન નોટો છાપી રહ્યા છે ! તેઓને કોઈ જ તપાસ કે નોટિસનો ભય નથી ! આ પ્રકારની ઈમારતોમાં ફાયર એનઓસી  કેવી રીતે મળી જતાં હશે ?! એ પણ સવાલ છે.

કોર્પોરેશનમાં માત્ર ટાઉન પ્લાનિંગ વિભાગ જ નહીં ફાયરવિભાગ પણ દાયકાઓથી વિવાદાસ્પદ છે. નવાઈની વાત એ છે કે, શાસકોએ ક્યારેય આ પ્રકારના કોઈ જ વિભાગનાં વડાઓના ખુલાસા પૂછયા ન હોય, શાસક પાંખ પણ આપોઆપ શંકાનાં દાયરામાં આવી રહી છે ! ચોક્કસ વિસ્તારોમાં કેટલીક દુકાનોનાં નડતરરૂપ ન હોય તેવા બોર્ડ હટાવતી એસ્ટેટ શાખા પણ આ પ્રકારના ગેરકાયદે બાંધકામો પ્રત્યે મૌન રહેવામાં શાણપણ જૂએ છે!

તટસ્થ રીતે તપાસ હાથ ધરાશે: ઈન્ચાર્જ નાયબ કમિશનર જાની

અવધ હોસ્પિટલમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામ અંગે ઇન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની એ જણાવ્યું હતુ કે  આ ઈમારતની તટસ્થ રીતે તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગમાં પણ અવધ હોસ્પિટલનાં પાર્કિંગ મુદ્દે સળવળાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ચાર્જ પણ ઇન્ચાર્જ નાયબ કમિશનર હસ્તક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.