CFBP દ્વારા વર્ષ 2021-22 માટેના વિવિધ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેન્યુફેક્યરિંગ એન્ટરપ્રાઈઝીસ કેટેગરીમાં પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ ઉચિત વ્યવહાર એવોર્ડ માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપનીને અપાયો છે.
વર્ષ 2021-22 માટે સીએફબીપીએ ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વસનીય નામ ધરાવતી અને ઉચ્ચ ગુણવત્તા થકી લોકોના હૃદયમાં અનેરું સ્થાન જમાવનાર, ગુજરાતમાં સૌ પ્રથમ ફોર્ટીફાઈડ દૂધ ઉપલબ્ધ કરાવનાર માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડને મેન્યુફેક્યરિંગ એન્ટરપ્રાઈઝીસ કેટેગરીમાં પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ ઉચિત વ્યવહાર એવોર્ડ જાહેર કરતા કંપની સાથે જોડાયેલા એક લાખથી વધુ દૂધ ઉત્પાદકોના પરિવારોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
સીએફબીપી દ્વારા વિવિધ એવોર્ડ વિતરણ માટે મુંબઈ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અગ્રણી ઉદ્યોગપતિઓ શેખર બજાજ (ચેરમેન અને એમ.ડી., બજાજ ઇલેક્ટ્રીકલ્સ), ઝરીન દારૂવાલા (સીઇઓ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ), સ્વપ્નિલ કોઠારી (પ્રસિધ્ધ ધારાશાસ્ત્રી), જસ્ટીસ બી.એન. ક્રિશ્ના (રિટાયર્ડ જજ, સુપ્રીમ કોર્ટ) ઉપરાંત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક નામાંકિત ઉધોગપતિઓની ઉપસ્થિતિમાં માહી કંપની વતી આ એવોર્ડ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીએ સ્વીકાર્યો હતો.