જામનગરમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરતાં યુવાનનું મોત નિપજતાં લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.જી.જી.હોસ્પિટલમાં વધુ ૮ અને ખાનગી હોસ્પિટલમાં ૫ દર્દીના ડેન્ગ્યુના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
શહેર-જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારાથી આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જામનગરમાં છેલ્લાં સપ્તાહથી ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે.સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના પોઝીટીવ કેસનું પ્રમાણ વધ્યું છે જે ચિંતાજનક બાબત છે.આ સ્થિતિમાં જામનગરની ખોડીયાર કોલોનીમાં રહેતા કીરીટસિંહ દોલુભા ગોહીલ નામના ૪૪ વર્ષના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત નિપજયું છે. આટલું જ નહીં જી.જી.હોસ્પિટલમાં વધુ આઠ દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેના કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલ ઉઠયા છે.
જામનગર શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.છેલ્લાં સપ્તાહમાં ડેન્ગ્યુનો ડંખ વધતા શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુ રોગના લક્ષણ ધરાવતા ૩૦ દર્દી સારવાર લઇ રહ્યા છે.