સોનાની ઈંટો અને સિકકા નકલી: એક વર્ષ પહેલા રાણાવાવના યુવાન સાથે થયેલી છેતરપિંડી અંગે ફરિયાદ
પોરબંદરના રાણાવાવ ગામના યુવાન સાથે ગુપ્તધન મળવાની તાંત્રિકવિધિના નામે એક વર્ષ પૂર્વે ૧૧ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની જામનગર રહેતા અને ગોરપદુ તથા તાંત્રિક વિધિ કરતા દંપતિ અને તેના પુત્ર સહિત ત્રણ સામે અગાઉ અરજી કરવામાં આવ્યા બાદ હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે.
રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જુના રામદેવપીરનાં મંદિર પાસે રહેતા નાગાજણ વિક્રમભાઈ મોઢવાડિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જામનગરની મધુરમ રેસીડેન્સી, વિનાયક પાર્કમાં રહેતા તાંત્રિક હરસુખ ઉર્ષે હરૂબાપુ મનુભાઈ લાબડીયા નામના આધેડ બિમાર પડયા હોવાથી પોરબંદરની હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તે સમયે નાગાજણનો મિત્ર પણ બિમાર પડતા તેને જોવા ગયો ત્યારે હરસુખબાપુએ નાગાજણને તારા લલાટ ઉપરથી જણાય છે કે, તું ખુબ જ ભાગ્યશાળી છો અને તને ગુપ્તધન મળશે તેવું મારું જયોતિષ વિજ્ઞાન કહે છે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ તે અવાર નવાર પોરબંદર આવતો ત્યારે ગુપ્તધન મળશે તેવી વાતો કહેતો હતો. દરમિયાનમાં ૨૦૧૭ની સાલમાં દિવાળી પછી કલ્યાણપુરના હનુમાનગઢ ગામે બોલાવીને તાંત્રિકવિધી કરી ઘરમાં જુના ઘડામાંથી સોનાના દાગીના કાઢી બતાવ્યા હતા અને કહ્યું હતું કે, જો આ ધન નિકળ્યું છે, તું પણ ગુપ્ત ધનની વિધી કરાવી લે નહીંતર તારા પરીવાર ઉપર મોટું જોખમ છે.
તેમ કહી ડરાવ્યો હતો અને ત્યારબાદ તાંત્રિકવિધી કરાવવા કટકે કટકે ૧૧ લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ સોનાની ઈંટ તથા સિકકા આપ્યા હતા. પરંતુ એ ચેક કરતા ડુપ્લીકેટ જણાઈ આવતા તે ડુપ્લીકેટ હોવાનું જયોતિષને જણાવ્યું હતું પરંતુ તે માનવા તૈયાર થયા નહીં અને તું કોઈને આ કહીશ તો તારી વિધી અળદના પુતળા ઉપર કરીને તારું કાસળ કાઢી નાખીશ અને તારા દિકરાને મેં સાજો કર્યો તેને પાછો માંદો પાડી દઈશે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, હરસુખ ઉર્ફે હ‚બાપુ તથા તેના પત્ની કાન્તાબેન ઉપરાંત પુત્ર આકાશ પાસે પૈસા લેવા ગયો ત્યારે કાંતાબેને એવી ધમકી આપી હતી કે, ચુપચાપ જતો રહે નહીંતર છેડતીના કેસમાં ફસાવી દઈશ તથા હરૂબાપુની પહોંચ કેટલી છે તે તું જાણતો નથી. તારા જેવા કેટલાને મેં પતાવી દીધા છે. આવો જવાબ વાળતા જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી આપવામાં આવ્યા બાદ પોલીસે તપાસ હાથધરીને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.