વિવાદાસ્પદ યુવતીએ બોલાવી હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ માર મારતા વૃધ્ધનું મોત: લાશને સગેવગે કરે તે પહેલા બે યુવતી સહિત ત્રણની અટકાયત: એક ફરાર
શહેરના રૈયાધાર પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના એક ફલેટમાં જામનગરના વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ માર મારતા વૃધ્ધનું મોત નીપજયાની અને લાશને સગેવગે કરે તે પહેલાં પોલીસે વિવાદાસ્પદ યુવતી સહિત સહિત ત્રણની અટકાયત કરતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના એક ફલેટમાં ગત મોડીરાતે શંકાસ્પદ હીલચાલ થતી હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. બી.બી.ગોહિલ અને રાઇટર જે.પી.મેવાડા સહિતના સ્ટાફ ઘટના સ્થળે તપાસ અર્થે દોડી જતા બે યુવતી સહિત ચાર શખ્સો મૃતદેહ દાટવા મીઠાના બાચકા મગાવ્યાનું નજરે પડતા પોલીસને જોઇ એક શખ્સ ભાગી જતાં પોલીસે બે યુવતી સહિત ત્રણની અટકાયત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.
પોલીસે મૃતક પાસેથી મળી આવેલા મોબાઇલના આધારે તપાસ કરતા તે જામનગરના કિરીટ ચંદુ મહેતા નામના ૬૫ વર્ષના વૃધ્ધ હોવાનું બહાર આવ્યું છે. ગઇકાલે તેઓને વિવાદાસ્પદ યુવતીએ મોબાઈલમાં વાત કરી રાજકોટ બોલાવ્યા બાદ રૈયાધાર પરના શાંતિનિકેતન સોસાયટીના ફલેટમાં લઇ ગયા બાદ તેની સાથે કઢંગી હાલતમાં મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કરી હનીટ્રેપમાં ફસાવ્યા બાદ બે શખ્સો ઘસી આવ્યા બાદ કિરીટભાઇ મહેતાને ધમકાવી પૈસા પડાવવા માટે માર મારતા તેમનું મોત નીપજ્યું હતું.
કિરીટ મહેતાનું મોત નીપજતા બે યુવતી અને બે યુવક ગભરાયા હતા અને તેની લાશને સગેવગે કરવા માટે મોડીરાતે દાટી દેવાની તૈયારી કરી મીઠાના બાચકા લાવ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ હીલચાલ અંગેની યુનિર્વસિટી પોલીસને માહીતી મળતા તેઓ દોડી જઇ શાંતિનિકેતન સોસાયટીમાંથી ગાયત્રી, વંચીકા અને અલીની અટકાયત કરી તે દરમિયાન યાસીન નામનો શખ્સ ફરાર થઇ જતા તેની શોધખોળ હાથધરી છે.
કિરીટભાઇ મહેતાનું માર મારવાના કારણે મોત નીપજ્યું છે કે, કઢંગી હાલતમાં વીડિયો રેકોર્ડીંગ જોઇને ગભરાવવાના કારણે એટેક આવતા મોત નીપજ્યું તે અંગેની વિશેષ વિગત મેળવવા મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તેના સગા-સંબંધીઓને બોલાવ્યા છે. બીજી તરફ વિવાદાસ્પદ યુવતીએ કિરીટભાઇ મહેતાનો સંપર્ક કંઇ રીતે કર્યો અને તેમને કંઇ રીતે ફસાવ્યા તે અંગેની વિગતો મેળવવા ત્રણેય શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.