જામનગરની પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં વર્ગ-રના અધિકારી તરીકે ફરજ બજાવતા એન્ફોર્સમેન્ટ ઓફિસરે કજુરડા ગામના એક લેબર કોન્ટ્રાકટર પાસે ઈન્સપેકશન રિપોર્ટમાં ખરાબ રિપોર્ટ નહીં કરવા પેટે રૃા.ર૦ હજારની લાંચ માગતા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી જેના પગલે ગઈકાલે સાંજે છટકું ગોઠવી એસીબીએ આ અધિકારીને રંગેહાથ ઝડપી લીધા છે.
ખંભાળિયા તાલુકાના કજુરડા પાસે આવેલી એક મહાકાય કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આસામીએ થોડા દિવસ પહેલા જામનગરના કે.વી. રોડ પર આવેલા અંજારિયા ચેમ્બરની પાછળના ભાગમાં કે.પી. હાઉસ સ્થિત પ્રથમ માળે આવેલી પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં કામકાજ માટે સંપર્ક કર્યો હતો.
આ વેળાએ વર્ગ-રના એન્ફોર્સમેન્ટ ઓફિસર શશીન પ્રવિણભાઈ ચાવડાએ તે કામ માટે કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી હતી તે વેળાએ કોન્ટ્રાકટરે ચાર મહિનાથી પી.એફ. ભર્યું ન હોય ઈપીએફ નંબર અને ઈન્સપેકશનમાં નોંધ નહીં બગાડવા માટે શશીન ચાવડાએ ’મીઠું મોઢું’ કરાવવા માટે કહ્યું હતું ત્યાર પછી પોતાનું કામ ન અટકે તે માટે કોન્ટ્રાકટરે વધુ પૂછતા રૃા.ર૦ હજારની લાંચની માગણી કરવામાં આવી હતી જેને કોન્ટ્રાકટરે મંજૂર રાખ્યા પછી જામનગર સ્થિત લાંચ-રૃશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો.
જામનગરના એસીબી પીઆઈ એન.કે. વ્યાસે સ્ટાફને સાથે રાખી છટકું ગોઠવ્યું હતું. છટકાના ભાગરૃપે ગઈકાલે સાંજે કોન્ટ્રાકટર એસીબી દ્વારા આપવામાં આવેલી પાવડરવાળી રૃા.ર૦ હજારની ચલણી નોટો લઈ કે.પી. શાહ હાઉસ પાસે આવ્યા હતા જ્યાંથી તેઓએ અધિકારી શશીન ચાવડાને પોતે પૈસા આપવા આવ્યા હોવાનું કહેતા શશીન ચાવડા નીચે આવ્યા હતા. તેઓએ આ રકમ સ્વીકારતા જ છૂપાઈને રહેલો એસીબીનો સ્ટાફ પ્રગટ થયો હતો અને તેઓએ અધિકારી ચાવડાને રંગેહાથ પકડી લઈ કચેરીએ ખસેડયા હતા.
આ બાબતની વિધિવત નોંધ કરાયા પછી છટકામાં માર્ગદર્શન પૂરૃં પાડનાર રાજકોટ સ્થિત એસીબીના મદદનીશ નિયામક એ.પી. જાડેજાને વાકેફ કરાયા હતા અને વર્ગ-રના આ અધિકારીના કપડા સહિતની ચીજવસ્તુઓ ઝબ્બે લેવામાં આવી હતી.